- બેથ મૂની WPLની બીજી સિઝનમાં ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ કરશે
- મૂની ઇજાગ્રસ્ત થતા સ્નેહ રાણાએ ટીમને લીડ કરી
- ગુજરાત જાયન્ટ્સ 25 ફેબ્રુઆરીએ MI સામે અભિયાનની શરૂઆત કરશે
ઓસ્ટ્રેલિયાની બેથ મૂની 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી મહિલા પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનમાં ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ કરશે. ફ્રેન્ચાઇઝીએ બુધવારે આની જાહેરાત કરી હતી. મૂનીને પ્રથમ સિઝન માટે પણ કેપ્ટન બનાવવામાં આવી હતી પરંતુ તે પ્રથમ મેચ બાદ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી અને ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં તે રમી શકી નહોતી. ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાએ તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
મૂનીની ગેરહાજરીમાં સ્નેહ રાણાએ કરી કપ્તાની
સ્નેહને બીજી સિઝન માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. 2023માં પાંચ ટીમોની સ્પર્ધામાં ગુજરાત છેલ્લા સ્થાને રહ્યું હતું. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તેઓ (મૂની અને સ્નેહ) મુખ્ય કોચ માઇકલ ક્લિન્ગર, માર્ગદર્શક અને સલાહકાર મિતાલી રાજ અને સહાયક કોચ નૂશીન અલ ખાદીર સાથે નેતૃત્વ જૂથનો ભાગ હશે."
બેથ મૂનીએ કહી આ વાત
મૂનીએ કહ્યું, “ગુજરાત જાયન્ટ્સ સાથે પરત ફરીને હું ખુશ છું અને મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ટીમનો આભારી છું. અમારી પાસે એક શાનદાર ટીમ છે અને મને વિશ્વાસ છે કે અમે સારું પ્રદર્શન કરીશું. તે સારું છે કે WPL બેંગલુરુ અને નવી દિલ્હીમાં રમાશે, જે ટૂર્નામેન્ટ માટે નવી છે.
ગુજરાત જાયન્ટ્સ 25 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. પ્રથમ સિઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ બોલ રમ્યા બાદ બેથ મૂની ઇન્જર્ડ થઈ ગઈ હતી.