- ભારતીય ટીમ ઝિમ્બાબ્વે બાદ શ્રીલંકાના પ્રવાસે જશે
- શ્રીલંકા સામે 3 T20 અને 3 ODI મેચની સિરીઝ રમશે
- આ સિરીઝ માટેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે
ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝની બાકીની બે મેચ રમ્યા બાદ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે. આ સિરીઝનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે, ત્યારબાદ ત્રણ ODI મેચો રમાશે. આ દરમિયાન હવે તમામની નજર શ્રીલંકા સામેની સીરીઝ માટે ભારતીય ટીમ કેવી હશે તેના પર છે.
હાર્દિક પંડ્યા બની શકે કેપ્ટન
હાલમાં ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી સિરીઝ માટે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ હવે જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા જશે ત્યારે તેના કેપ્ટનમાં પણ ફેરફાર થઈ શકે છે. જો હાર્દિક પંડ્યા આ સિરીઝમાં રમવા માટે તૈયાર છે તો તે આ સિરીઝ માટે સુકાની હશે. પરંતુ શુભમન ગિલ ટીમમાં રહેશે તે પણ લગભગ નિશ્ચિત છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20Iમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, સ્વાભાવિક છે કે તેમના નામ પર વિચાર કરવામાં આવશે નહીં. જસપ્રીત બુમરાહ ચોક્કસપણે આ સિરીઝમાં વાપસી કરી શકે છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો બ્રેક લંબાવવામાં આવી શકે છે.
ટીમમાં મોટા ફેરફારની શક્યતા ઓછી
શુભમન ગિલ, અભિષેક શર્મા, યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડ ફરીથી શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે ટીમમાં હોઈ શકે છે, પરંતુ આ ચારેય ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં સાથે જોવા મળે તેવી શક્યતા ઓછી છે. કારણ કે સૂર્યકુમાર યાદવ પણ આ સિરીઝમાં વાપસી કરી શકે છે. એટલું જ નહીં રિષભ પંત પણ એક્શનમાં જોવા મળી શકે છે. આ સિવાય અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, આ એવા ખેલાડીઓ છે જે T20 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતા અને હવે તેઓ વાપસી કરી શકે છે. જો સંજુ સેમસન અને રિંકુ સિંહની વાત કરીએ તો તેઓ પણ ટીમનો ભાગ હશે.
શિવમ દુબે અને રિયાન પરાગ પર પ્રશ્નો
શિવમ દુબે અને રિયાન પરાગ બે સિરીઝ બેક ટુ બેક રમશે કે નહીં તેના પર સવાલ છે, કારણ કે તેમનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. જ્યારે જીતેશ શર્માની પણ શ્રીલંકા જવાની શક્યતા ઓછી છે, કારણ કે રિષભ પંત અને સંજુ સેમસનનું ટીમમાં હોવું નિશ્ચિત છે. આ વખતે BCCIની પસંદગી સમિતિ માટે ટીમની પસંદગી કરવી એટલી સરળ નથી. T20 વર્લ્ડકપ જીતી ચૂકેલા ખેલાડીઓ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચશે તો જ બહાર રહેશે. આગામી સિરીઝ માટે ટીમની જાહેરાત સોમવાર પછી ગમે ત્યારે થઈ શકે છે.
શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ભારતની સંભવિત ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટ કીપર), રિષભ પંત (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, અક્ષર પટેલ , વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ.