- શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ODI અને T20 ટીમની જાહેરાત
- હાર્દિક પંડ્યા પાસેથી કેપ્ટન્સી છીનવીને સૂર્યકુમારને અપાઇ
- સંજુ સેમસન અને રૂતુરાજ ગાયકવાડને ના મળી જગ્યા
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ODI અને T20 ટીમની જાહેરાત થતા જ હોબાળો મચી ગયો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે હાર્દિક પંડ્યાને T20ની કેપ્ટનશીપ ન મળી, આ સાથે આ ખેલાડીને વાઇસ કેપ્ટન્સીથી પણ હટાવી દેવામાં આવ્યો. તેના સ્થાને શુભમન ગિલને ODI-T20નો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
આ સાથે રૂતુરાજ ગાયકવાડ ODI-T20 ટીમમાંથી બહાર થઈ ગયો હતો. સંજુ સેમસનને પણ સદી ફટકારવા છતાં વનડે ટીમમાં જગ્યા મળી નથી. આ નિર્ણયો બાદ લોકોએ નવા હેડ કોચ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠાવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ નિર્ણયોમાં રોહિત શર્માનો પણ હાથ છે.
ગૌતમ ગંભીરે નહીં રોહિત શર્માએ લીધા આ નિર્ણયો?
ઘણા મોટા ક્રિકેટ નિષ્ણાતોનો દાવો છે કે ગૌતમ ગંભીર ટીમનો મુખ્ય કોચ બની ગયો છે પરંતુ તે આવતાની સાથે જ આટલા મોટા નિર્ણયો એકલા લઈ શકે નહીં. ટીમની સ્થિતિ અને દિશા નક્કી કરવામાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માનો પણ હાથ છે. સ્વાભાવિક છે કે રોહિત શર્મા લાંબા સમયથી ટીમ સાથે છે. તે ટીમને જાણે છે અને સમજે છે અને આ પસંદગીમાં તેનો અભિપ્રાય ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હશે. જો કે પસંદગી સમિતિની બેઠકની વિગતો હજુ બહાર આવી નથી.
રોહિતથી નારાજ છે ભારતીય ચાહકો
જ્યારથી હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન પદ પરથી હટાવવામાં આવ્યો છે ત્યારથી ભારતીય ચાહકોએ રોહિત શર્મા સામે મોરચો ખોલી દીધો છે. લોકો માને છે કે આ બધું રોહિત શર્માના કારણે થયું છે. લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ સાથે રાજનીતિ થઈ રહી છે. ઝિમ્બાબ્વેમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં રૂતુરાજ ગાયકવાડને પણ T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.