- મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
- શ્રીલંકાના દામ્બુલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
- આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે
આજે મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શ્રીલંકાના દામ્બુલા સ્થિત રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટના પહેલા જ દિવસે બંને ટીમો વચ્ચેની ટક્કરથી ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. ટૂર્નામેન્ટમાં 7 વખત ખિતાબ જીતી ચૂકેલી ભારતીય ટીમ કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં પૂરજોશમાં જોવા મળી રહી છે. આ સાથે હાઈ વોલ્ટેજ મુકાબલાની રાહ જોઈ રહેલા ક્રિકેટ ચાહકો જાણવા માંગે છે કે મહિલા એશિયા કપની મેચ ક્યારે અને ક્યાં જોઈ શકાય છે.
મેચો ક્યારે અને કેટલા વાગે રમાશે?
મહિલા એશિયા કપની મેચો 19 જુલાઈથી 28 જુલાઈ સુધી શરૂ થશે. ગ્રુપ સ્ટેજમાં ટોચની બે ટીમોને સેમિફાઈનલમાં પ્રવેશ આપવામાં આવશે. મેચો દરરોજ બપોરે 2 થી 7 વાગ્યા સુધી રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા, UAE, થાઈલેન્ડ અને નેપાળની ટીમ સામેલ છે. ભારત, નેપાળ, પાકિસ્તાન અને UAEને ગ્રુપ-Aમાં જ્યારે બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યા છે.
તમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યાં જોઈ શકો છો?
મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર, ડિઝની પ્લસ હોટસ્ટાર વેબસાઇટ અને એપ પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. લોકો હોટસ્ટાર પર મેચનો સંપૂર્ણ આનંદ માણી શકશે. ભારત-પાકિસ્તાન ઉપરાંત, ક્રિકેટ ચાહકો આ પ્લેટફોર્મ પર મહિલા એશિયા કપ-2024ની અન્ય મેચોનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકે છે.
બંને દેશોની મહિલા એશિયા કપ માટે ટીમોની જાહેરાત
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ અને ઉમા છેત્રી (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, અરુંધતિ રેડ્ડી, આશા શોભના. રાધા યાદવ, શ્રેયંકા પાટિલ અને સંજના સજીવન.
પાકિસ્તાન: નિદા દાર (કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોઝા, ઈરમ જાવેદ, નઝીહા અલ્વી (વિકેટકીપર), મુનીબા અલી, નશરા સુંધુ, ઓમૈઈમા સોહેલ, સાદિયા ઈકબાલ, સિદરા અમીન, સઈદા અરુબ શાહ, તસ્મિયા રુબાબ અને તુબા હસન.