• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ODI મેચ ઢાકામાં રમાઈ હતી
  • કેપ્ટન હરમનપ્રીત કૌર અમ્પાયરિંગથી નાખુશ જોવા મળી હતી
  • અમ્પાયરે LBW આઉટ આપતા રોષે ભરાઈ હરમનપ્રીત કૌર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ODI મેચ ઢાકામાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર અમ્પાયરિંગથી બિલકુલ ખુશ નહોતી. તેમજ નબળા અમ્પાયરિંગ પર નારાજગી વ્યક્ત કરી હતી. હરમનપ્રીતે કહ્યું કે તે કેટલાક નિર્ણયોથી ખુશ નથી. તેણે અમ્પાયરિંગને ખૂબ જ ખરાબ ગણાવ્યું.

બાંગ્લાદેશ પ્રવાસ પરની મહિલા ભારતીય ટીમે ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં યજમાન ટીમ સામે ત્રીજી ODI રમી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી આ મેચ ડ્રો થઈ હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અમ્પાયરિંગથી ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી, જેના કારણે તેણે પોતાના બેટથી સ્ટમ્પને પણ ફટકાર્યું હતું. જેનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
મેચમાં 226 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે કેપ્ટન હરમનપ્રીત કૌરના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. આ વિકેટ 34મી ઓવરના ચોથા બોલ પર પડી હતી. ભારતીય કેપ્ટને સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના પેડ સાથે અથડાયો. જેના પર બોલર નાહિદા અખ્તરે અપીલ કરી અને અમ્પાયરે તેને LBW આઉટ જાહેર કર્યો. હરમનપ્રીત કૌર અમ્પાયરના નિર્ણયથી એકદમ નારાજ દેખાઈ રહી હતી.

આઉટ થયા પછી, તેણે પેવેલિયન પરત ફરતા પહેલા સ્ટમ્પ પરથી જોરથી બેટ ફટકાર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય તેણે પેવેલિયન પરત ફરતી વખતે અમ્પાયરને પણ કંઈક કહ્યું હતું. ભારતીય કેપ્ટને 21 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 14 રનની ઇનિંગ રમી હતી.

મેચ બાદ અમ્પાયરિંગ પર આપવામાં આવેલ પ્રતિક્રિયા
મેચ બાદ અમ્પાયરિંગ વિશે વાત કરતા હરમનપ્રીત કૌરે કહ્યું, “મને લાગે છે કે આ મેચમાંથી અમારે ઘણું શીખવાનું છે. ક્રિકેટ સિવાય, જે પ્રકારનું અમ્પાયરિંગ થઈ રહ્યું હતું તેનાથી અમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. આગલી વખતે જ્યારે અમે બાંગ્લાદેશ આવીશું, ત્યારે અમે ખાતરી કરીશું કે અમે આ પ્રકારના અમ્પાયરિંગનો સામનો કરીશું અને તે મુજબ અમારી જાતને તૈયાર કરીશું."

મેચ ડ્રો થઈ હતી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર ફરગાના હકે 7 ચોગ્ગાની મદદથી 107 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સાથી ઓપનર શમીમા સુલ્તાનાએ 5 ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ભારતીય ટીમ 49.3 ઓવરમાં 255 રન જ બનાવી શકી હતી. ટીમ માટે હરલીન દેઓલે 9 ચોગ્ગાની મદદથી 77 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.

  • Follow us on: