• ICC ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે
  • ભારતે પાકિસ્તાનનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાનો કર્યો ઈનકાર
  • ભારતે અત્યાર સુધી કુલ 15 વખત પાકિસ્તાનના પ્રવાસ કર્યા છે

આ વખતે ICC ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ત્યારબાદ આ ICC ઈવેન્ટને લઈને ફેન્સમાં ઉત્સાહ વધી ગયો છે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોમાં કડવાશ આવી હોવાથી દ્રિપક્ષીય સિરીઝ રમાઈ નથી. એક એહેવાલ અનુસાર ભારતે પાકિસ્તાનનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાનો ઈનકાર કરી દીધો છે અને ICCને હાઈબ્રીડ મોડેલમાં ટૂર્નામેન્ટ યોજવા કહ્યું છે.

જો કે, પાકિસ્તાન 2008 પહેલા પણ સુધર્યું ન હતું. વર્ષ 2008 સુધી, ભારતે ક્રિકેટના ત્રણેય ફોર્મેટની અને ટૂર્નામેન્ટ સહિત કુલ 15 પાકિસ્તાનના પ્રવાસો કર્યા છે, જેમાં 6 એવા પ્રસંગો હતા જ્યારે ત્યાં ભારતીય ખેલાડીઓ પર હુમલો થયો હતો.

શ્રીકાંતને મુક્કો માર્યો

પાકિસ્તાન પ્રવાસ પર ભારતીય ક્રિકેટરો પર હુમલાની શરૂઆત વર્ષ 1989-90થી થઈ હતી. ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ રમવા માટે પાકિસ્તાન ગઈ હતી. આ પ્રવાસમાં ભારતીય ખેલાડી કે.શ્રીકાંત પર હુમલો થયો હતો. કોઈ ધાર્મિક સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. સંજય માંજરેકરે પોતાના પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હુમલામાં પાકિસ્તાની સમર્થકોએ શ્રીકાંતની જર્સી પણ ફાડી નાખી હતી.

પાકિસ્તાનમાં અઝહર પર હુમલો

જે મેચમાં શ્રીકાંત પર પાકિસ્તાનીઓએ મુક્કો માર્યો હતો, તે જ મેચમાં મોહમ્મદ અઝહરુદ્દીનને લોખંડની વસ્તુ વડે મારવામાં આવ્યો હતો. આ વાતનો ખુલાસો તે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના મેનેજર ચંદુ બોર્ડેએ કર્યો હતો.

4 ભારતીય ખેલાડીઓ પર પથ્થરમારો

જો કે, ખેલાડીઓ પર હુમલાની આ બે ઘટનાઓ પછી પણ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ બંધ કર્યો ન હતો. ભારતીય ટીમ આગળ પાકિસ્તાન ગઈ હતી. 1997ના પ્રવાસ પર ODI સીરિઝ દરમિયાન ભારતીય ટીમના 4 ખેલાડીઓ પર પથ્થરથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી.

1997માં સચિન તેંડુલકરની કપ્તાની હેઠળના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના લોકોએ અને વિદ્યાર્થીઓએ ભારતીય ખેલાડીઓને પથ્થરો વડે નિશાન બનાવ્યા હતા. જે ભારતીય ખેલાડીઓ પર હુમલો કરવામાં આવ્યો તેમાં સૌરવ ગાંગુલી, નિલેશ કુલકર્ણી, અબે કુરુવિલા અને દેબાશિષ મોહંતીનો સમાવેશ થાય છે. મોહંતી પર હુમલા બાદ ભારતીય કેપ્ટન સચિન તેંડુલકરે સુરક્ષાનું કારણ આપીને મેદાનમાં આવવાની ના પાડી દીધી હતી.

કરાચીમાં સચિન પર પથ્થરમારો

આ પછી, 2006 માં, ભારતે ફરીથી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ પર કરાચી ટેસ્ટ દરમિયાન પાકિસ્તાની સમર્થકોએ સચિન તેંડુલકર પર પથ્થરો વડે હુમલો કર્યો હતો.

ઈરફાન પઠાણ પર પાક સમર્થકોનો હુમલો

ઈરફાન પઠાણે એક ઈન્ટરવ્યુમાં 2006માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન તેમના પર થયેલા હુમલાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે કહ્યું છે કે પ્રથમ વનડે દરમિયાન તેના પર કોઈ ધાતુની વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે મિડ-વિકેટ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો.

રાવલપિંડીમાં અગરકર પર હુમલો

પાકિસ્તાનના એ જ પ્રવાસ દરમિયાન રાવલપિંડીમાં રમાયેલી આગામી ODIમાં અજીત અગરકર પર કોઈ નાની વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તે થર્ડ મેન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. જ્યારે અજિત અગરકરે આ ઘટના વિશે ફિલ્ડ અમ્પાયરને જાણ કરી, ત્યારે રમતને થોડીવાર માટે રોકી દેવામાં આવી હતી.

  • Follow us on: