• શુભમન ગિલની આગેવાનીમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે ભારતીય ટીમ
  • રોહિત,કોહલી અને જાડેજાએ T20માંથી લીધો સંન્યાસ
  • ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ છે વોશિંગ્ટન સુંદર

શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની ત્રણ મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયા 2 મેચ જીતીને 2-1થી આગળ છે. હવે સિરીઝની ચોથી મેચ 13મી જુલાઈએ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે. ગિલની આગેવાનીમાં યુવા ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં રમી રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓ હવે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.


હવે ટીમ ઈન્ડિયાને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ જરૂર પડશે. બીજી તરફ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર ઓલરાઉન્ડરને રવિન્દ્ર જાડેજાના સ્થાને જોવામાં આવી રહ્યો છે. જે બાદ આ ખેલાડીએ આ સવાલ પર પોતાનું મૌન તોડ્યું છે.

વોશિંગ્ટન સુંદરે પોતાનું મૌન તોડ્યું

વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ છે. સુંદર પણ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ દરમિયાન જ્યારે વોશિંગ્ટન સુંદરને રવીન્દ્ર જાડેજાની જગ્યા ભરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે મારે મારું 100 ટકા આપવું પડશે અને સારું પ્રદર્શન કરવું પડશે. આ એવી વસ્તુ છે જેના પર હું ક્યારેય સમાધાન કરી શકતો નથી. ટીમ ઈન્ડિયા માટે રમવું મારા માટે સૌભાગ્યની વાત છે અને મારે મારી જાતને સુધારતા રહેવું પડશે, ત્યારપછી બધું સારું થઈ જશે.


ત્રીજી મેચમાં કર્યું શાનદાર પ્રદર્શન

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી T20 મેચ 10 જુલાઈએ રમાઈ હતી. વોશિંગ્ટન સુંદરે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોલિંગ વખતે વોશિંગ્ટને 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેના કારણે ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 159 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 23 રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

  • Follow us on: