- ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડકપ જીત્યો
- BCCIએ ભારતીય ટીમ માટે 125 કરોડ ઈનામની જાહેરાત કરી
- 1983માં BCCI પાસે ખેલાડીઓને ચૂકવવા માટે પૈસા નહોતા
ICC T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડકપ જીત્યો હતો. 2013 બાદ પ્રથમ વખત ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવામાં સફળ રહી છે. તેથી, BCCIએ વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. BCCI દ્વારા કોઈપણ ટીમને આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. આ પહેલા ભારતીય ટીમે 1983, 2007 અને 2011માં વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી. સમયે વર્લ્ડકપ વિજેતા ટીમને ઇનામ તરીકે કેટલા પૈસા મળ્યા હતા?
1983 વર્લ્ડકપ
કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. 1983માં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. જ્યારે ભારતીય ટીમે વર્લ્ડકપ જીત્યો ત્યારે BCCI પાસે આ ખેલાડીઓને ચૂકવવા માટે પૈસા નહોતા. તે સમયે લતા મંગેશકરે ચેરિટી શો કરીને ખેલાડીઓ માટે પૈસા ભેગા કર્યા હતા. તે સમયે આ ખેલાડીઓને એક-એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. 1983ના વર્લ્ડકપ ટીમના ખેલાડીઓની પગારની રસીદ વાયરલ થઈ રહી છે જેમાં ખેલાડીઓને 2100 રૂપિયા દૈનિક ભથ્થુ આપવમાં આવતું હતું.
2007 T20 વર્લ્ડકપ
એમએસ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં 2007માં T20 વર્લ્ડકપ જીત્યો હતો. આ જીત બાદ ભારતીય ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓને ઈનામી રકમ તરીકે 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સાથે ઈંગ્લેન્ડ સામે સતત 6 સિક્સર ફટકારનાર યુવરાજ સિંહને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
2011 ODI વર્લ્ડકપ
1983 બાદ ભારતીય ટીમે 2011માં બીજી વખત ODI વર્લ્ડકપ જીત્યો હતો. આ વખતે એમએસ ધોનીની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યો હતો. ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિનિંગ સિક્સર ફટકારીને ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. આ જીત બાદ BCCIએ ભારતીય ખેલાડીઓ માટે 39 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ દરમિયાન દરેક ખેલાડીને 2 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા.
2024 T20 વર્લ્ડકપ
T20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ BCCIએ ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. વર્લ્ડકપ ટીમના 15 ખેલાડીઓ અને હેડ કોચને 5-5 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે સહાયક કોચને 2.5-2.5 કરોડ અને રિઝર્વ ખેલાડીઓને 2-2 કરોડ રૂપિયા આપવામાં આવશે