- બુમરાહની સાથે મળતી આવે છે બોલિંગ
- સ્લો-પેસનું વેરિએશન સૌથી મોટી તાકાત
- મજબૂરીમાં અફઘાનિસ્તાન છોડવું પડ્યું હતું
નવીન-ઉલ-હકનો જન્મ 23 સપ્ટેમ્બર 1999ના રોજ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર કાબુલમાં ડૉક્ટરને ત્યાં થયો હતો. તાલિબાની આતંકીઓએ તેમને દેશ છોડવા માટે મજબૂર કર્યા અને આખો પરિવાર શરણાર્થી તરીકે પાકિસ્તાન આવી ગયો. પરિવાર ઇચ્છતો ન હતો કે નાનો નવીન એક ક્ષણ પણ બોમ્બની વચ્ચે વિતાવે. જ્યારે પરિસ્થિતિ સારી થઈ ત્યારે તેઓ ફરીથી ઘરે પાછા ફર્યા અને માત્ર 11 વર્ષના નવીનને નેશનલ અંડર-16 ટુર્નામેન્ટમાં પ્રથમ વખત અફઘાનિસ્તાનની જર્સી પહેરવાની તક મળી. જ્યારે તેને દેશની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું ત્યારે તે માત્ર 15 વર્ષનો હોવો જોઈએ અને તે 17 વર્ષનો હતો ત્યાં સુધીમાં નવીન-ઉલ-હકે અફઘાનિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આઈપીએલમાં 1 મેની રાત્રે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી બોલાચાલીના કેન્દ્રમાં આ ખેલાડી હવે 23 વર્ષનો છે.
હું ગાળો સાંભળવા આવ્યો નથી
એક અહેવાલ મુજબ સમગ્ર વિવાદ બાદ નવીન ઉલ હકે તેની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સના સાથી ક્રિકેટરને કહ્યું કે તે આઈપીએલમાં રમવા માટે ભારત આવ્યો છે, કોઈના અપશબ્દ કે ગાળો સાંભળવા માટે નહીં. મેચ દરમિયાન નવીનનો વિરાટ સાથે બે વખત ઝઘડો થયો હતો. પ્રથમ વખત જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કોહલી તેને સ્લેજ કરતો જોવા મળ્યો હતો અને બીજી વખત મેચ બાદ હેન્ડશેક દરમિયાન. બંને ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. મેચના બીજા દિવસે વિરાટ કોહલી પર નિશાન સાંધતા ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતી વખતે, નવીન-ઉલ-હકે લખ્યું, 'તને એ જ મળ્યું જે ડિઝર્વ કરે છે, આવું જ થતું આવ્યું છે, આવું જ થશે.'

તે મારા DNAમાં છે
કોહલીની જેમ નવીનનો પણ વિવાદો સાથે જૂનો સંબંધ છે. વર્ષ 2020 માં લંકા પ્રીમિયર લીગ દરમિયાન તે ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી સાથે પણ ઝઘડયો હતો. એક જૂના ઈન્ટરવ્યુમાં તેણે પોતે કહ્યું હતું કે, 'જો કોઈ મને કંઈક કહે તો હું પાછળ નહીં હટીશ. હું નાનપણથી જ આવો જ છું. આ આદત મારા ડીએનએમાં છે. જો હું કહું કે કાલથી હું આ નહીં કરું તો તે ખોટું હશે.
આ વસ્તુથી નફરત હતી
કાબુલથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પરત ફરવું ક્રિકેટ માટે રોમાંચક રહ્યું છે. મોટો થઈને નવીન ભારતીય ક્રિકેટનો મોટો ફેન્સ બની ગયો. નવીનના મતે 'હું ભારતની દરેક મેચ જોતો હતો. અહીંથી મારો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને જુસ્સો શરૂ થયો. માતા-પિતા માત્ર સપ્તાહના અંતે થોડા કલાકો માટે ઘરની બહાર ક્રિકેટ રમવાની પરવાનગી આપતા હતા. ત્યારે હું વિકેટ કીપર બેટ્સમેન હતો. મને બોલિંગથી નફરત હતી. મને ટેપ બોલ ક્રિકેટમાં બેટિંગ કરવાનું પસંદ હતું. મેચ દરમિયાન મારા મોટાભાઇ સાથે ઘણીવખત ઝઘડો થતો હતો.
આફ્રિદી, આમિર અને હવે કોહલી

સાત વનડે અને 27 T20 ઈન્ટરનેશનલની ટૂંકી કારકિર્દીમાં, નવીન-ઉલ-હક શાહિદ આફ્રિદી, મોહમ્મદ આમિર અને હવે વિરાટ કોહલી જેવા લોકો સામે ઝઘડયો છે. એક જૂના ઈન્ટરવ્યુમાં તેણે પોતાની ઝઘડવાની આદત પર કહ્યું હતું કે, 'લોકો કહે છે કે હું મેદાનની બહાર આવો નથી. હું હસું છું. હું મારા મિત્રો સાથે મજાક કરું છું. હું એટલો ગંભીર નથી પરંતુ મેદાન પર થોડું ગંભીર હોવું જરૂરી છે, પછી ભલે તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી રહ્યો હોઉં કે પછી મારા દેશનું પ્રતિનિધિત્વ કરતો હોઉં…કોઈ મને કંઈક કહે તો હું પાછળ હટીશ નહીં.