- T20 વર્લ્ડકપ માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત
- ICCની ટીમમાં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ
- સાઉથ આફ્રિકાના એક પણ ખેલાડીનો સમાવેશ નથી
ICCએ 2024 T20 વર્લ્ડકપ માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. ICCએ પોતાની ટીમમાં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આ ટીમમાં વેસ્ટ ઈન્ડિઝનો એક, ઓસ્ટ્રેલિયાનો એક અને અફઘાનિસ્તાનના ત્રણ ખેલાડી સામેલ છે. વિરાટ કોહલીને ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં સ્થાન મળ્યું નથી. કિંગ કોહલીએ T20 વર્લ્ડકપની ફાઇનલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલીની જોરદાર ઇનિંગના કારણે ભારતે સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું.
ઓપનર તરીકે આ બે ખેલાડીઓને સ્થાન
ICC ટીમમાં ઓપનર તરીકે અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝ અને ભારતના રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. આ બંને બેટ્સમેનોએ આ T20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં પોતાની તોફાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. ગુરબાઝ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેના નામે 281 રન હતા. જ્યારે રોહિતે 257 રન બનાવ્યા હતા. તે બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
આ ફાસ્ટ બોલરો સામેલ
ફાસ્ટ બોલિંગ વિભાગમાં ICCએ ફઝલહક ફારૂકી, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહની પસંદગી કરી છે. આ ટુર્નામેન્ટમાં ફઝલહક ફારૂકી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 17 વિકેટ ઝડપી હતી. અર્શદીપના નામે પણ 17 વિકેટ હતી. આ સિવાય બુમરાહે 15 વિકેટ લીધી હતી.
આફ્રિકાના એક પણ ખેલાડીને સ્થાન ન મળ્યું
ICCએ પોતાની ટીમમાં સાઉથ આફ્રિકાના એકપણ ખેલાડીની પસંદગી કરી નથી જેણે ફાઈનલ પહેલા તેની તમામ મેચ જીતી હોય. આ સિવાય ઈંગ્લેન્ડનો કોઈ ખેલાડી પણ આ ટીમનો ભાગ નથી. ઓસ્ટ્રેલિયામાંથી માત્ર માર્કસ સ્ટોઈનિસની પસંદગી કરવામાં આવી છે.
ICC 2024 T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટની ટીમ
રહેમાનુલ્લા ગુરબાઝ (અફઘાનિસ્તાન), રોહિત શર્મા (ભારત), નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ), માર્કસ સ્ટોઈનિસ (ઓસ્ટ્રેલિયા), સૂર્યકુમાર યાદવ (ભારત), હાર્દિક પંડ્યા (ભારત), અક્ષર પટેલ. (ભારત), જસપ્રિત બુમરાહ (ભારત), અર્શદીપ સિંહ (ભારત), રાશિદ ખાન (અફઘાનિસ્તાન) અને ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન).