- પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની માટે તૈયાર
- PCB અધ્યક્ષ મોહસિન નકવી ICCની બેઠકમાં ભાગ લઈ શકે છે
- ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ ભારત સરકાર પર નિર્ભર
જ્યાં એક તરફ પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની માટે તૈયાર છે તો બીજી તરફ પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની છીનવી લેવાનો પડછાયો પણ મંડરાઈ રહ્યો છે. જેનું કારણ છે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. વાસ્તવમાં, બંને દેશો વચ્ચેના ખરાબ સંબંધોને કારણે, ભારતીય ક્રિકેટ ટીમે ઘણા વર્ષોથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી અને ન તો આ બંને ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સીરિઝ જોવા મળી છે. ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર ICCની મોટી ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. આ બંને ટીમો છેલ્લી વખત ODI વર્લ્ડકપ 2023માં સામસામે આવી હતી. હવે ફરી એકવાર આ બંને ટીમો T20 વર્લ્ડકપ 2024 દરમિયાન ટકરાશે.
પાકિસ્તાન BCCIની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવી આગામી સપ્તાહે દુબઈમાં યોજાનારી ICCની બેઠકમાં ભાગ લઈ શકે છે. ICCની આ બેઠકમાં મોહસિન નકવી BCCI સચિવ જય શાહ સાથે મંજૂરી અંગે ચર્ચા કરી શકે છે.
પાકિસ્તાન પ્રવાસ પર પ્રતિબંધ
વાસ્તવમાં, સુરક્ષાની ચિંતાઓને કારણે અને ભારત સરકારની પરવાનગી વિના, BCCI ક્યારેય ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના પ્રવાસે મોકલી શકે નહીં. અગાઉ, એશિયા કપ 2023 ની યજમાની પણ પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે કારણ કે BCCIએ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે એશિયા કપ 2023ની કેટલીક મેચો પાકિસ્તાનમાં અને કેટલીક મેચ શ્રીલંકામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી. BCCIના સૂત્રોનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાન પ્રવાસ સંપૂર્ણપણે ભારત સરકાર પર નિર્ભર છે. હવે જોવાનું એ રહે છે કે ICCની બેઠકમાં શું નિર્ણય લેવાય છે?