- ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થશે
- 2025માં રમવામાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી
- વર્લ્ડકપની ટોપ-7 ટીમ ચેમ્પિયન ટ્રોફી માટે થશે ક્વોલીફાઈ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ પુષ્ટિ કરી છે કે, 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન પાકિસ્તાન સાથે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ટોપ-7 ટીમો ક્વોલિફાય કરશે. ઉલ્લેખનીય છે કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 2025માં પાકિસ્તાનમાં થશે. ICCએ હવે પુષ્ટિ કરી છે કે, ICCની આ ટૂર્નામેન્ટમાં મેજબાન પાકિસ્તાન સાથે વર્લ્ડકપ 2023ની ટોપ-7 ટીમો રમશે.
2021માં ICC બોર્ડે આપી હતી મંજૂરી
ICCના એક પ્રવક્તાએ કહ્યું કે,ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થવાની યોગ્યતા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023ના અંતે યજમાન (પાકિસ્તાન) અને ટોપ-7 ટીમને જશે. નવેમ્બર 2021માં જ ICC બોર્ડે આને મંજૂરી આપી હતી.
કોન-કોન રમશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમશે
ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 8 ટીમોની ટૂર્નામેન્ટ છે, અગાઉની ટૂર્નામેન્ટ 4 ટીમોના બે જૂથોમાં રમાઈ હતી. જે બાદ સેમીફાઈનલ અને ફાઈનલ મેચો રમાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં રમવામાં આવી હતી. જેની ફાઈનલ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીનું કરાયું હતું આયોજન
2017 બાદ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. જેનું આયોજન પાકિસ્તાન કરશે. હવે ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરવા માટે નિયમો જણાવ્યા છે. આ નિયમો અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ જેવી ટીમ આ ટૂર્નામેન્ટનો ભાગ બની શકશે નહીં. કારણ કે, તે વર્લ્ડકપ 2023 માટે ક્વોલિફાય કરી શકી નથી.
ઈંગ્લેન્ડના ક્વોલીફાઈ કરવા પર સવાલ
વર્લ્ડકપ 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરવામાં આવે તો, વર્લ્ડકપ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ ટોપ-8માં નથી. આ બંને ટીમ વર્લ્ડકપમાં 5-5 મેચ રમી છે અને અત્યાર સુધી ઈંગ્લેન્ડ નંબર-10 અને બાંગ્લાદેશ નંબર-9 પર છે. જો વર્લ્ડકપના અંત સુધી આવું જ ચાલતું રહેશે તો આ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી રમી શકશે નહીં. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ માટે આ ખૂબ જ શરમજનક બાબત હશે. કારણ કે ઈંગ્લેન્ડે 2019નો વર્લ્ડકપ અને 2022નો T-20 વર્લ્ડકપ પણ જીત્યો હતો.