- બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બંને વચ્ચે મેચ
- બાંગ્લાદેશ વિરુદ્ધ શાહીન આફરીદીએ રચ્યો ઈતિહાસ
વર્લ્ડકપ 2023ની 31મી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. આ મેચની પ્રથમ ઓવરમાં જ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફરીદીએ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શાહીને ઈનિંગની પ્રથમ ઓવરમાં જ બાંગ્લાદેશના ઓપનરની વિકેટ લીધી હતી. આ વિકેટ લેવા સાથે શાહીન આફરીદી વનડે મેચમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બોલર બન્યો છે. આ મામલે શાહીને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને પાછળ છોડ્યો છે.
શાહીન શાહ આફરીદીએ રચ્યો ઈતિહાસ
પાકિસ્તાનના આ ફોસ્ટ બોલર શાહીન શાહ આફરીદીએ 51 વનડે મેચમાં 100 વિકેટ પૂર્ણ કરી છે. શાહીન બાદ આ લિસ્ટમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક છે. મિચેલ સ્ટાર્કે 52 વનડે મેચમાં 100 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. જો કે, આ લિસ્ટમાં સૌથી ઉપર સંદીપ લામિછાને છે. તેમણે માત્ર 42 વનડે મેચમાં 100 વિકેટ પ્રાપ્ત કરી હતી. જો કે, સંદીપ સ્પિન બોલર છે. ફાસ્ટ બોલરના મામલે સૌથી ઉપર મિચેલ સ્ટાર્ક હતા, પરંતુ હવે આ રેકોર્ડ શાહીને પોતાના નામે કર્યો છે.
અત્યાર સુધી કેટલા ખેલાડીઓએ 100 વિકેટ લીધી?
ઓવરઓલ સૌથી વધુ વિકેટ લેવા મામલે નેપાળના ક્રિકેટર સંદીપ લામિછાને સૌથી આગળ છે. જે બાદ બીજા નંબર પર અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનનું નામ આવે છે. રાશિદે 44 આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી હતી. આ લિસ્ટમાં હવે ત્રીજું નામ પાકિસ્તાનના શાહીન શાહ આફરીદીનું આવે છે. શાહીને 51 વનડે મેચમાં 100 વિકેટ પૂર્ણ કરી છે. જે બાદ ચોથા નંબરે મિચેલ સ્ટાર્ક આવે છે. મિચેલ સ્ટાર્કે 52 વનડે મેચમાં 100 વિકેટ પૂર્ણ કરી હતી. આ લિસ્ટમાં 5માં નંબરે પાકિસ્તાનના પૂર્વ સ્પિન બોલર સકલૈન મુશ્તાકનું નામ આવે છે. તેમણે 53 આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં 100 વિકેટ લીધી હતી.