- વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરે રમાશે
- ભારત-પાકિસ્તાન મેચ પહેલા શુભમન ગિલ પર ICCએ આપી ખૂશ ખબર
- શુભમન ગિલને ICC દ્વારા પ્લેયર ઓફ ધ મંથનો અપાયો હતો એવોર્ડ
વર્લ્ડ કપની શાનદાર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ પહેલા શુભમન ગિલની ફિટનેસને લઈને અટકળો ચાલી રહી હતી. આ દરમિયાન ICCએ આ સ્ટાર ઓપનર વિશે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે.
ભારત-પાકિસ્તાન મેચના એક દિવસ પહેલા આ સારા સમાચાર આ ખેલાડીનું મનોબળ વધુ વધારશે. અગાઉ કેન્સર સામે લડીને 2011માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર યુવરાજ સિંહે પણ શુભમન ગિલનું મનોબળ વધાર્યું હતું. ICC દ્વારા દર મહિને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવે છે. ICC દ્વારા સપ્ટેમ્બર મહિના માટે શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ICCએ શુક્રવારે આની જાહેરાત કરી હતી. શુભમનની સાથે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડના ઓપનર ડેવિડ મલાનને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ આખા મહિનામાં 80ની એવરેજથી 480 ODI રન બનાવનાર શુભમને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં તેણે શાનદાર બેટિંગ કરી હતી.













