- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ મેચ
- આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવેલ સ્ટેડિયમમાં રમાશે
- ફાઈનલ મેચ પહેલા ICC બોર્ડના સભ્યોની બેઠક યોજી શકે
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ 29 જૂને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. બંન્ને ટીમોની આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં યોજાવાની છે અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ આ મેચ માટે કેટલીક ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ટાઈટલ મુકાબલો પહેલા ICCએ બોર્ડના તમામ સભ્યોને કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ આવવા આમંત્રણ આપ્યું છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સહિત ઘણા દેશોના બોર્ડ અધ્યક્ષો અહીં હાજર રહેશે.
ICC બોર્ડના સભ્યોની બેઠક યોજી શકે
એક મીડિયા રિપોર્ટ અનુસાર, T20 વર્લ્ડકપની ફાઇનલ મેચ પહેલા ICC બોર્ડના સભ્યોની બેઠક યોજી શકે છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન રઝા નકવી અને BCCI અધ્યક્ષ રોજર બિન્ની પણ એકબીજાને મળી શકે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પણ વાતચીત શક્ય છે. મોહસીન નકવી પાકિસ્તાનની વર્તમાન સરકારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી પણ છે અને તેઓ હાલ એક મીટિંગ માટે યુએસએમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસએમાં મીટિંગ પૂરી કર્યા પછી મોહસીન સીધો વેસ્ટ ઈન્ડિઝ જઈ શકે છે.
ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે
એશિયા કપ 2023 થી PCB અને BCCI વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. 2023 એશિયા કપનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ BCCIએ ભારતીય ટીમને પાકિસ્તાનમાં જવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પણ પાકિસ્તાનને આપવામાં આવી છે અને ICCએ તાજેતરમાં PCBના પ્રસ્તાવિત શેડ્યૂલને લીલી ઝંડી આપી હતી, જે અંતર્ગત ટીમ ઈન્ડિયા તેની તમામ મેચો પાકિસ્તાનમાં રમશે.
પરંતુ BCCI T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ પહેલા યોજાનારી બોર્ડ મેમ્બર્સની મીટિંગમાં આ મુદ્દો ઉઠાવી શકે છે. એવા અહેવાલો પણ છે કે ટૂર્નામેન્ટને પાકિસ્તાનની બહાર ખસેડવામાં આવી શકે છે અથવા હાઈબ્રીડ મોડેલનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ PCB કોઈપણ સંજોગોમાં આ થવા દેવા માંગતું નથી.