- ICCએ જુલાઈ મહિના માટે પ્લેયર ઓફ ધ મંથની કરી જાહેરાત
- ગુસ એટકિન્સન જુલાઈ મહિના માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ
- ચમારી અટાપટ્ટુને વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો
આજે ICC મેન્સ અને વિમેન્સ પ્લેયર ઓફ ધ મન્થના વિજેતાઓના નામની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડના યુવા ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને જુલાઈ મહિના માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. ICCએ આ એવોર્ડ માટે વોશિંગ્ટન સુંદર, ચાર્લી કેસલ અને ગુસ એટકિન્સનને નોમિનેટ કર્યા હતા. આ સિવાય શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુને વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગુસ એટકિન્સને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ડેબ્યૂ સિરીઝમાં ધૂમ મચાવી હતી. તેણે 16.22ની એવરેજથી કુલ 22 વિકેટ લીધી હતી. તેણે આ સિરીઝમાં પોતાની ઝડપ અને નિયંત્રણથી બધાને પ્રભાવિત કર્યા હતા.
તે સતત 140 KM/Hની ઝડપે બોલિંગ કરતો હતો. ઈંગ્લેન્ડની ટીમ તેને ભવિષ્યના સ્ટાર તરીકે માની રહી છે. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે તેની પહેલી જ ટેસ્ટ મેચમાં 12 વિકેટ લીધી હતી. આ સાથે, તે ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે 10 વિકેટ લેનારો 8મો બોલર બન્યો હતો.
ચમારી અટાપટ્ટુએ એશિયા કપમાં કમાલ કરી
શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો. તેમની કપ્તાનીમાં શ્રીલંકાની ટીમે ભારતને હરાવી મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન ઘણું જોરદાર રહ્યું હતું. તેણે 101ની એવરેજથી 304 રન બનાવ્યા હતા. ફાઈનલ મેચમાં પણ તેણે 61 રનની ઈનિંગ રમી હતી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાને પાછળ છોડી દીધી છે.