- ODI શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 90 રનથી હરાવ્યું
- ભારત 114 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 ODI ટીમ બની
- ન્યુઝીલેન્ડને મોટું નુકસાન, ODI રેન્કિંગમાં ટોપ-3માંથી થયું બહાર
ભારતે ODI શ્રેણીની છેલ્લી મેચમાં પણ ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે. સિરીઝની શરૂઆત પહેલા નંબર-1 ટીમ રહેલી ન્યુઝીલેન્ડને મોટું નુકસાન થયું છે. તે ટોપ-3માંથી પણ બહાર થઈ ગઈ છે.
ભારત ODI રેન્કિંગમાં ટોચ પર
ભારતે ODI શ્રેણીની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને 90 રનથી હરાવ્યું છે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 385 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ 42મી ઓવરમાં 295 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે સદીની ઇનિંગ્સ રમી હતી. આ જીત સાથે ભારત ODI રેન્કિંગમાં પણ ટોચ પર પહોંચી ગયું છે.

ન્યુઝીલેન્ડ પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો
ત્રણ મેચની આ શ્રેણીની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ રેન્કિંગમાં ટોચ પર હતું. ભારતે પ્રથમ મેચ 12 રને જીતી હતી. બીજી મેચ 8 વિકેટે અને ત્રીજી મેચ 90 રનથી જીતી હતી. શ્રેણીમાં ક્લીન સ્વીપની સાથે ભારતે ન્યુઝીલેન્ડને નંબર-1ના સ્થાનેથી પણ હટાવી દીધું છે. ભારતના 114 રેટિંગ પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ 111 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા નંબર પર પહોંચી ગયું છે.
T20માં પણ ભારત ટોપ પર
ODIની જેમ T20 ટીમ રેન્કિંગમાં પણ ભારત ટોપ પર છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા નંબર પર છે. આવતા મહિને બોર્ડર ગાવસ્કર સિરીઝ છે. તેવામાં ભારતને ટેસ્ટમાં પણ વિશ્વની નંબર વન ટીમ બનવાની તક મળશે.

ODIમાં સતત 7મી જીત
ભારતે આ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું અને ODIમાં સતત 7મી જીત મેળવી. ટીમે આ શ્રેણી પહેલા શ્રીલંકા સામેની ત્રણ મેચોની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. આ પહેલા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ પ્રવાસ પર છેલ્લી ODI પણ જીતી હતી.