- ટીમ ઇન્ડિયા ICC ODI રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યું
- ડેવોન કોનવેએ 138 રનની લડાયક ઇનિંગ રમી
- શાર્દુલ ઠાકુર-કુલદીપ યાદવની ત્રણ-ત્રણ વિકેટ
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતે ન્યુઝીલેન્ડનો 3-0થી વ્હાઈટવોશ કર્યો હતો, સાથે જ ટીમ ઇન્ડિયા ICC ODI રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આપેલા 386 રનના ટાર્ગેટ કિવીઝ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવોન કોનવેએ 100 બોલમાં 138 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા તરફથી શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલને 2 અને હાર્દિક અને ઉમરાન મલિકને 1-1 વિકેટ મળી હતી.
ન્યુઝીલેન્ડને જીતવા 386 રનનો ટાર્ગેટ
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે ટોસ હારી પહેલા બેટિંગ કરતા કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલની શાનદાર સદીની મદદથી ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 385 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા 386 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
રોહિત શર્મા-શુભમન ગિલની સદી
કેપ્ટન રોહિત શર્માએ કરિયરની 30મી સદી ફટકારી હતી. રોહિતે 85 બોલમાં 101 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પણ ચોથી સદી ફટકારી દીધી હતી. બન્ને ઓપનર્સ વચ્ચે 212 રનની પાર્ટનરશિપ થઈ હતી. શુભમન પણ 112 રને આઉટ થયો હતો. ઈશાન કિશન 17 રને આઉટ થયો હતો. વિરાટ કોહલી 36 રને આઉટ થયા હતા. સૂર્યકુમાર યાદવ 14 રને આઉટ થયો હતો.
ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય
આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની અંતિમ મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા બને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી વનડે માટે પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.
બંને ટીમની પ્લેઇંગ 11
ટીમ ઇન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક
ન્યુઝીલેન્ડ:
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર