- વર્લ્ડકપ 2023માં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો હતો
- વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાએ 4 મેચમાં 5 વિકેટ લીધી
- હાર્દિક પંડ્યા માટે ટીમમાં વાપસી કરવી ઘણી મુશ્કેલ
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાના રૂપમાં મોટો ફટકો પડ્યો હતો. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર હતો. ચાહકો તેના વાપસીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેના વાપસીનો સમય સતત વધી રહ્યો છે. હાર્દિકને કેટલી સીરીઝમાં બહાર બેસવું પડશે તે કોઈને ખબર નથી. હવે હાર્દિકની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
હાર્દિકની ટીમમાં વાપસી મુશ્કેલ
રિપોર્ટ અનુસાર એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વર્લ્ડકપ બાદ પણ હાર્દિક માટે ટીમમાં વાપસી કરવી ઘણી મુશ્કેલ છે.વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સાથે સીરીઝ રમવાની છે, હવે એવી માહિતી સામે આવી રહી છે કે હાર્દિક આ સીરીઝમાંથી પણ બહાર રહી શકે છે. 23 નવેમ્બરથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 5 મેચની T20 સીરિઝ રમવાની છે. આ પછી ટીમને થોડો આરામ આપવામાં આવશે. ત્યારે ટીમ ઈન્ડિયા 10મી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સાથે T20 સિરીઝ રમવાની છે.
પંડ્યા ફેબ્રુઆરી સુધીમાં પરત ફરી શકે
જો કે હાર્દિકની વાપસી અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા ફેબ્રુઆરી 2024 સુધીમાં પરત ફરી શકે છે. IPLના થોડા સમય પહેલા હાર્દિકની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે. હાર્દિકને વર્લ્ડકપ 2023માં વધુ રમવાની તક મળી ન હતી, પરંતુ તેમ છતાં તેણે 4 મેચમાં 11 રન બનાવ્યા અને બોલિંગ દરમિયાન 5 વિકેટ પણ લીધી હતી. હાર્દિકને ટીમની મહત્વની કડી માનવામાં આવે છે, તેથી તેનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું ટીમ માટે મોટો ફટકો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ જોવા માટે હાર્દિક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. હવે ચાહકો આશા રાખી રહ્યા છે કે હાર્દિક ફિટ થઈ જાય અને જલ્દી ટીમમાં પાછો ફરે.