- ભારતીય ટીમને મોટો ઝટકો
- હાર્દિક પંડ્યા વર્લ્ડકપની ટીમમાંથી થયો બહાર
- હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણાને મળી તક
ભારતીય ટીમને વર્લ્ડકપ 2023માં મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લી ત્રણ મેચ રમી શક્યો નહતો. કારણ કે, તે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે હાર્દિકને વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જગ્યાએ ફાસ્ટ બોલરને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો? જો તમારા મનમાં પણ આવો જ સવાલ ઉઠી રહ્યો છે, તો ચાલો તમને જણાવીએ આના સંભવિત કારણો.
હાર્દિકની જગ્યાએ પ્રસિદ્ધને કેમ મળી તક
ઈજા બાદ હાર્દિક છેલ્લા બે અઠવાડિયાથી સ્વસ્થ થઈ રહ્યો હતો, પરંતુ તેના પગની ઘૂંટીમાં ફરીથી સોજો આવી ગયો હતો અને તે હલનચલન પણ કરી શકતો ન હતો. આ કારણે BCCI સિલેક્ટર્સે તેને વર્લ્ડકપમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં BCCI પાસે તેના સ્થાને ત્રણ ખેલાડીઓનો વિકલ્પ હતો. આ ત્રણ વિકલ્પોમાં સંજૂ સેમસન, પ્રસિદ્ધ કૃષ્ણા અને તિલક વર્માના નામ સામેલ હતા. વધારાના વિકેટકીપર અથવા બેટ્સમેન માટે સંજૂ સેમસનનો વિકલ્પ હતો. તિલક વર્મા સ્પિન બેટિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે અને પ્રસિદ્ધ કૃષ્ણ એક મજબૂત ફાસ્ટ બોલર છે.
આ કારણે પ્રસિદ્ધને મળી તક
હાર્દિક ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં હતો, પરંતુ બાકીની મેચો અને વર્તમાન ફોર્મને જોતા ટીમ ઈન્ડિયાએ શાર્દુલ ઠાકુર અને રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર માટે પૂરતા ગણ્યા છે. આ ઉપરાંત ઈશાન કિશન ડાબા હાથના બેટ્સમેન અને વિકેટકીપરની ભૂમિકા ભજવે છે. જેથી ટીમને સંજૂ સેમસન અને તિલક વર્માની પણ જરૂર નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને વર્તમાન પરિસ્થિતિ અનુસાર ફાસ્ટ બોલરની જરૂર હતી. જેથી BCCIએ પ્રસિદ્ધ કૃષ્ણાને વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.