- ભારતીય ફેન્સ માટે સારા સમાચાર
- સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈ મોટું અપડેટ સામે આવ્યું
- હાર્દિક આગામી મેચમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે
હાર્દિક પંડ્યા ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે અને આગામી મેચમાં તે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે તે નિશ્ચિત છે. ભારતીય ટીમ 2 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે આગામી મેચ રમશે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડરનું ભારતીય ટીમ સાથે જોડાવાનું નિશ્ચિત છે, પરંતુ તે રમશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ઉલ્લેખનીય છે કે, 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો.
હાર્દિક પંડ્યા NCAમાં લઈ રહ્યો છે તાલીમ
મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યા અત્યારે બેંગાલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. તે મુંબઈમાં ટીમ સાથે જોડાશે. જો કે, તે શ્રીલંકા સામે રમશે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ તે ટીમ સાથે જોડાશે તે નક્કી છે.
હાર્દિકની ગેરહાજરીમાં ટીમમાં થયા હતા ફેરફાર
બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં બોલિંગ કરવા સમયે હાર્દિકને પગમાં ઈજા પહોંચી હતી. જે બાદ ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. આ બંને ફેરફાર સફળ થયા છે. સૌથી પહેલાં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં હાર્દિકની ઓવરની બાકી 3 બોલ વિરાટ કોહલીએ નાંખી હતી. જે બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં સૂર્યકુમાર યાદવને હાર્દિકની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. સાથે શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
શમી અને સૂર્યાએ કર્યું શાનદાર પ્રદર્શન
હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ થયેલો સૂર્યકુમાર યાદવ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં 2 રન કરીને આઉટ થયો હતો, પરંતુ ઈંગ્લેન્ડ વિુરુદ્ધ સૂર્યાએ 49 રનની મહત્વની ઈનિંગ રમી હતી. સૂર્યાએ લખનઉની મુશ્કેલ પિચ પર 49 રન બનાવ્યા હતા. સાથે મોહમ્મદ શમીએ બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચમાં 5 અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી મેચમાં 4 વિકેટ પોતાના નામે કરી હતી.