ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ સમાપ્ત થયાના બીજા જ દિવસે ICC દ્વારા નવી રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે જોરદાર છલાંગ લગાવી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને રિષભ પંતને મામૂલી નુકસાન થયું છે. આ વખતે રેન્કિંગમાં ઘણી ઉથલપાથલ જોવા મળી છે.


જો રૂટ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો જો રૂટ નંબર વન પર છે. હાલમાં તેનું રેટિંગ 899 છે. જો બીજા સ્થાનની વાત કરીએ તો ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન છે. તેનું રેટિંગ 829 છે. યશસ્વી જયસ્વાલ બે સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ હવે વધીને 792 થઈ ગયું છે. આ જયસ્વાલનું સર્વકાલીન ઉચ્ચ રેન્કિંગ અને રેટિંગ છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં તેણે બંને દાવમાં ફિફ્ટી ફટકારી હતી.

વિરાટ કોહલીએ પાંચ સ્થાનની લગાવી છલાંગ

સ્ટીવ સ્મિથ પોતાનું ચોથા નંબરનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો છે. તે 757 રેટિંગ સાથે ચોથા સ્થાને યથાવત છે. આ દરમિયાન ઉસ્માન ખ્વાજાને પણ બે સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 728 રેટિંગ સાથે પાંચમા નંબરે પહોંચી ગયો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ છ સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે સીધો છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તેનું રેટિંગ હવે વધીને 724 થઈ ગયું છે.

રિષભ પંતને થયું મામૂલી નુકસાન

પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે 720 રેટિંગ સાથે સાતમા નંબરે છે. માર્નસ લાબુશેનનું રેટિંગ પણ 720 છે અને તે પણ સાતમા નંબરે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને મામૂલી નુકસાન થયું છે. તે હવે 718 રેટિંગ સાથે 9માં નંબર પર પહોંચી ગયો છે. તેણે ત્રણ સ્થાન નીચે જવું પડ્યું. ન્યુઝીલેન્ડના ડેરીલ મિચેલનું પણ રેટિંગ 718 છે અને તે 9માં નંબર પર છે.

રોહિત શર્માને થયું ભારે નુકસાન

શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને પાંચ સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 716 રેટિંગ સાથે 11માં નંબર પર છે. પાકિસ્તાનનો બાબર આઝમ એક સ્થાન ગુમાવીને 712 રેટિંગ સાથે 12મા ક્રમે પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાત કરીએ તો તેને ઘણું નુકસાન થયું છે. તે હવે 693ના રેટિંગ સાથે 15મા નંબર પર પહોંચી ગયો છે.

  • Follow us on: