• બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલથી સમગ્ર વિશ્વને ચોંકાવ્યું
  • શેખ હસીનાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું
  • બાંગ્લાદેશમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડકપને લઈને ચિંતા વધી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલથી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી દેશમાં અનામતને લઈને હિંસક આંદોલન ચાલી રહ્યું છે, આ આંદોલને પહેલાથી જ પરિસ્થિતિને નાજુક બનાવી દીધી હતી અને હવે અચાનક દેશમાં બળવા જેવી સ્થિતિ બની ગઈ છે. વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે તેણે બાંગ્લાદેશમાં ક્રિકેટ મેચોના આયોજન અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં ઓક્ટોબરમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડકપને લઈને ચિંતા વધી રહી છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન  શેખ હસીનાનું રાજીનામું

બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સરકારી નોકરીઓમાં અનામતનો મુદ્દો ચર્ચાનો વિષય છે, જેની સામે દેશભરના કોલેજના વિદ્યાર્થીઓએ મોરચો ખોલ્યો હતો. આ આંદોલન ધીમે ધીમે હિંસક બન્યું હતું, ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને તૈનાત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં સુધારો થયો નહોતો. આવી સ્થિતિમાં, સેનાએ અચાનક વડા પ્રધાન શેખ હસીનાને તાત્કાલિક રાજીનામું આપવાની ચેતવણી આપી. હસીનાએ પણ કોઈ વિલંબ કર્યા વિના રાજીનામું આપ્યું એટલું જ નહીં તરત જ દેશ છોડી દીધો હતો.

શું બાંગ્લાદેશ પાસેથી T20 વર્લ્ડકપની યજમાની છિનવાશે?

હવે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા છે અને હાલમાં ત્યાં કોઈ સરકાર નથી. હાલમાં ત્યાંની સેનાએ દેશનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો છે. રાજધાની ઢાકામાં વડા પ્રધાનના નિવાસસ્થાનમાં પ્રદર્શનકારીઓ ઘૂસીને લૂંટ ચલાવી રહ્યા હોવાની તસવીરો છે. આ કારણે સવાલો ઉઠી રહ્યા છે કે શું બાંગ્લાદેશ બે મહિના પછી યોજાનારા T20 વર્લ્ડકપનું આયોજન કરી શકશે? વર્લ્ડકપની મેચો રાજધાની ઢાકા અને સિલ્હટમાં રમાવાની છે. ટૂર્નામેન્ટમાં ભારત અને બાંગ્લાદેશ સહિત 10 ટીમો ભાગ લેશે અને કુલ 23 મેચો રમાવાની છે.

તમામની નજર ICC પર

થોડા દિવસ પહેલા જ એવા અહેવાલ આવ્યા હતા કે ICC પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ટૂર્નામેન્ટના સમયને ધ્યાનમાં રાખતા તે સમયે તે વધારે ચિંતાનો વિષય ન હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને દેશના વડાપ્રધાને દેશ છોડી દીધો છે, જ્યારે બાંગ્લાદેશી સેનાએ દેશ કબજે કરી લીધો છે. આવી સ્થિતિમાં, શું બદલાયેલા સંજોગોમાં ICCનું વલણ પણ બદલાશે, શું બાંગ્લાદેશમાંથી ટૂર્નામેન્ટ પાછી ખેંચીને કોઈ અન્ય દેશમાં યોજવામાં આવશે? આ ટુર્નામેન્ટ માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વના રહેવાના છે.


  • Follow us on: