• જોનાથન ટ્રોટ અફઘાનિસ્તાનના કોચ તરીકે યથાવત
  • અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રોટનો કોન્ટ્રાકટ લંબાવ્યો
  • ટ્રોટ 18 મહિના પહેલા અફઘાનિસ્તાનના કોચ બન્યા

જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ભારતની પ્રવાસે આવી રહેલી અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચની જવાબદારી ફરી એકવાર ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર જોનાથન ટ્રોટના ખભા પર રહેશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો છે. હવે તે આખું વર્ષ અફઘાનિસ્તાનના કોચ તરીકે રહેશે.

જોનાથન ટ્રોટ અફઘાનિસ્તાનના કોચ

જોનાથન ટ્રોટ 18 મહિના પહેલા અફઘાનિસ્તાનના મુખ્ય કોચ બન્યા હતા. આ દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન તેણે અફઘાન ટીમને ઘણી સફળતા અપાવી છે. સૌથી મોટી સફળતા તાજેતરમાં પૂર્ણ થયેલા વર્લ્ડ કપ 2023 દરમિયાન મળી, જ્યારે અફઘાનિસ્તાને એક પછી એક મોટી ટીમોને હરાવી. વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને નેધરલેન્ડને હરાવ્યું હતું. તે ઓસ્ટ્રેલિયાને પણ હરાવવાની નજીક હતી પરંતુ મેક્સવેલે અફઘાનિસ્તાન પાસેથી આ જીત છીનવી લીધી હતી. અફઘાન ટીમના આ શાનદાર પ્રદર્શન બાદ જ કોચ તરીકે જોનાથન ટ્રોટ કોન્ટ્રાકટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દ્વિપક્ષીય સિરીઝમાં પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યું

ટ્રોટના માર્ગદર્શન હેઠળ અફઘાનિસ્તાને 23 માંથી 8 ODI મેચ જીતી હતી. જેમાં વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન તેમજ બાંગ્લાદેશ સામેની એકમાત્ર વનડે સિરીઝ જીતનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાને 26 T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી હતી. અહીં તેને 11માં સફળતા મળી હતી. ટ્રોટના માર્ગદર્શન હેઠળ જ અફઘાનિસ્તાને પાકિસ્તાનને એકમાત્ર T20 સિરીઝમાં હરાવ્યું હતું.

ટ્રોટ એશિઝ 2010-11નો હીરો રહ્યો

જોનાથન ટ્રોટ ઈંગ્લેન્ડનો દિગ્ગજ ખેલાડી રહ્યો છે. તેણે 52 ટેસ્ટ મેચમાં 3835 રન બનાવ્યા હતા. તેણે 2010-11ની એશિઝ સિરીઝની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ODI ક્રિકેટમાં પણ ટ્રોટે 51ની શાનદાર એવરેજથી 2819 રન બનાવ્યા હતા. તેણે વર્ષ 2015માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.


  • Follow us on: