- ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ODIમાં ભારતની હાર
- ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને કારમી હાર આપી હતી
- પરંતુ ભારતે હાર છતા સીરિઝ જીતી લીધી છે
ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ જીત્યા બાદ જ્યારે ભારતીય ટીમ ટ્રોફી સાથે ગ્રુપ ફોટો માટે આવી ત્યારે દરેકના મનમાં સવાલો થવા લાગ્યા. ટ્રોફી પર ચાર અજાણ્યા ચહેરા ભારતીય ખેલાડીઓની વચ્ચે ઉભા હતા. તે કોણ છે અને ટીમ ઈન્ડિયા સાથે શું કરી રહ્યા હતા?
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝની છેલ્લી મેચ (IND vs AUS) 66 રનથી હારી ગઈ હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચથી જ ત્રણ મેચની સીરિઝ જીતી લીધી હતી. ટીમે મોહાલીમાં રમાયેલી મેચ 5 વિકેટે જીતી હતી અને ત્યારબાદ ઈન્દોરમાં રમાયેલી બીજી મેચ ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 99 રનથી જીતી હતી. આ રીતે ફાઇનલ મેચ હાર્યા બાદ પણ ભારતે 3 મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
કેએલ રાહુલે ટ્રોફી કોને આપી?
કેએલ રાહુલે જીત બાદ ભારતીય ટીમ માટે ટ્રોફી કલેક્ટ કરી હતી. આ પછી, જ્યારે ભારતીય ટીમનો ગ્રુપ ફોટો ટ્રોફી સાથે આવ્યો, ત્યારે બધા જાણવા માંગતા હતા કે ટ્રોફી સાથે વચ્ચે ઉભેલા ચાર અજાણ્યા ચહેરા કોણ છે, તેઓ અહીં ટીમ ઈન્ડિયા સાથે શું કરી રહ્યા છે? તો ચાલો તમને જણાવીએ. ધર્મેન્દ્ર જાડેજા, પ્રેરક માંકડ, વિશ્વરાજ જાડેજા અને હાર્વિક દેસાઈ. આ ચારેય સૌરાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
ટીમ ઈન્ડિયા સાથે કેમ છે આ ચાર અજાણ્યા ચહેરા?
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડેમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઉપલબ્ધ નહોતા. ઈશાન કિશન પણ મેચ પહેલા બીમાર પડી ગયા હતા. ભારત પાસે માત્ર 12 ખેલાડીઓ બાકી હતા. આવી સ્થિતિમાં આખી મેચ દરમિયાન સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાન પર ડ્રિંક લઈ જવા માટે ધર્મેન્દ્ર જાડેજા, પ્રેરક માંકડ, વિશ્વરાજ જાડેજા અને હાર્વિકને ટીમ ઈન્ડિયામાં સાથે જોડવામાં આવ્યા હતા. પ્રેરક આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. હાર્વિક 2018 અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો વિકેટકીપર હતો.
મેચમાં શું-શું થયું?
ઓસ્ટ્રેલિયાના ટોચના ચાર બેટ્સમેન ડેવિડ વોર્નર (56), મિચેલ માર્શ (96), સ્ટીવન સ્મિથ (74) અને માર્નસ લાબુશેન (72)એ ફિફ્ટી ફટકારીને મુલાકાતી ટીમને 352/7ના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. પરંતુ ટીમ 286 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 66 રને જીતી લીધી હતી. ગ્લેન મેક્સવેલે ટોચના 4 ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા.