- ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ
- મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો
- શુભમન ગિલ પ્રથમ મેચમાંથી બહાર થયો
ભારત માટે આજથી વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. કારણ કે ભારતની પ્રથમ મેચ આજે ઓસ્ટ્રેલિયા સામે શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોની અપેક્ષા અનુસાર શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં રમી શકશે નહીં. હવે આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલ ડેન્ગ્યૂ તાવના કારણે વર્લ્ડકપની પ્રથમ મેચમાંથી બહાર થયો છે.
ગિલને આપવામાં આવ્યો આરામ
ગત ગુરુવારે સાંજે શુભમન ગિલ ડેન્ગ્યૂથી સંક્રમિત થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારથી ટીમ ઈન્ડિયાની મેડિકલ ટીમે ગિલના સ્વાસ્થ્ય પર નજર રાખી હતી. જો કે, ગિલ શુક્રવાર અને શનિવારે પ્રેક્ટિસ કરવા મેદાનમાં આવ્યો નહતો. કારણ કે, ગિલને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ગિલ બહુ અસ્વસ્થ લાગતો નથી, પરંતુ આમ છતાં તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગિલની જગ્યાએ કોણ કરશે ઓપનિંગ?
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વર્લ્ડકપ મેચ પહેલાં પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શુભમન ગિલ અંગે કહ્યું હતું કે, તે હાલમાં મેડિકલ ટીમના નિરીક્ષણમાં છે, અને તે રમશે કે નહીં તે જાણી શકાયું નથી. મેચની શરૂઆત પહેલા નિર્ણય લેવામાં આવશે. હવે આખરે ગિલ આ સૌથી મોટી વનડે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, કેપ્ટન રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે?
ઈશાન કિશન ભારત માટે કરી શકે ઓપનિંગ
ભારતની અત્યારની ટીમ પાસે ઈશાન કિશન અને કેએલ રાહુલના રૂપમાં બે ઓપનિંગ બેટ્સમેન વિકલ્પો છે, પરંતુ કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો છે અને ઈશાન હંમેશા ઓપનિંગ કરવાનું પસંદ કરે છે. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં રોહિત શર્મા સાથે માત્ર ઈશાન કિશન મેદાનમાં ઉતરશે.