- ભારતે પહેલી ODIમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું
- ભારતીય ટીમની 27 વર્ષની રાહનો પણ અંત આવ્યો
- ભારતે 3 મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે
ભારતીય ટીમે પહેલી ODIમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મોહાલીના મેદાન પર ભારતીય ટીમની 27 વર્ષની રાહનો પણ અંત આવ્યો. ભારતીય ટીમની આ જીતથી પાકિસ્તાનને પણ ઘણું દુઃખ થયું છે.
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં એશિયા કપનું પોતાનું ફોર્મ જાળવી રાખ્યું છે. કેપ્ટન અને બેટિંગ લાઇનઅપમાં ફેરફાર છતાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 આ મેચમાં વિકેટથી હરાવ્યું. આ મેચ જીતીને ભારતે 3 મેચની સીરિઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ભારતે 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ODIમાં જીત મેળવી છે. ટીમને છેલ્લી જીત ઓસ્ટ્રેલિયા સામે 1996માં મળી હતી. મોહાલીમાં, ભારત ઓસ્ટ્રેલિયા સામે 2006માં 6 વિકેટે, 2009માં 24 રનથી, 2013માં 4 વિકેટે અને 2019માં ફરીથી 4 વિકેટથી હારી ગયું હતું.
વનડે રેન્કિંગમાં ભારત ટોપ પર
ઓસ્ટ્રેલિયા સામેની આ જીત સાથે ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે. પરંતુ પાકિસ્તાન થોડા સમય પહેલા આગળ હતું. આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન બંનેના 115-115 રેટિંગ પોઈન્ટ હતા. પરંતુ આ જીત બાદ ભારતીય ટીમ 116 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા 111 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. વનડેમાં ઓસ્ટ્રેલિયાની આ સતત ચોથી હાર છે. આ પહેલા ટીમને દક્ષિણ આફ્રિકામાં સતત ત્રણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વનડેની સાથે સાથે ભારત ટેસ્ટ અને ટી20ની રેન્કિંગમાં પણ નંબર વન પર છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા
અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ 51 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી અને ભારતે ઓસ્ટ્રેલિયાને 276 રનમાં ઓલઆઉટ કર્યું હતું. બેટિંગ માટે અનુકૂળ વિકેટ પર, ભારતીય કેપ્ટન કેએલ રાહુલે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. શમીએ મિશેલ માર્શ (4)ને પહેલી જ ઓવરમાં પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી તેણે જસપ્રીત બુમરાહ સાથે મળીને વોર્નર અને સ્મિથને ખૂબ પરેશાન કર્યા. પોતાના બીજા સ્પેલમાં મોહમ્મદ શમીએ સેટ સ્ટીવ સ્મિથ (41 રન)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને દબાણમાં મૂક્યા હતા. સ્મિથ અને વોર્નરે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી જેને રવિન્દ્ર જાડેજાએ 19મી ઓવરમાં તોડી હતી. વોર્નરે 53 બોલમાં છચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા.
માર્નસ લાબુશેને 39 રન અને કેમેરોન ગ્રીને 31 રન બનાવ્યા હતા. બંને સેટ થયા બાદ આઉટ થઈ ગયા હતા. વિકેટકીપર જોસ ઈંગ્લિસ (45 રન) અને માર્કસ સ્ટોઈનિસ (29 રન)એ છઠ્ઠી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી અને ટીમને 250ની નજીક પહોંચાડી દીધી. શમીએ 47મી ઓવરમાં સ્ટોઈનિસને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી. આગલી ઓવરમાં બુમરાહે ઈંગ્લિસને ઐયરના હાથે આઉટ કરાવ્યો. સ્ટોઇનિસ ઉપરાંત શમીએ પણ છેલ્લી ઓવરોમાં મેથ્યુ શોટ અને સીન એબોટને પેવેલિયનનો રસ્તો બતાવીને પોતાની 5 વિકેટ પૂરી કરી હતી.
ગિલ-રુતુરાજ પછી સૂર્યા-રાહુલનું બેટ બોલ્યું
શુભમન ગિલ અને રૂતુરાજ ગાયકવાડની નવી ઓપનિંગ જોડીએ ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ગિલે તેના હોમ ગ્રાઉન્ડ પર શરૂઆતથી જ બોલિંગના ક્લાસ લેવાનું શરૂ કર્યું હતું. તેણે માત્ર 37 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. રૂતુરાજે વનડેમાં પોતાની પહેલી અડધી સદી પણ ફટકારી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી થઈ હતી. 71 રનની ઇનિંગ રમ્યા બાદ રુતુરાજ એડમ ઝમ્પાના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. શ્રેયસ અય્યર (3) 148ના સ્કોર પર રનઆઉટ થયો હતો. ત્યારબાદ ગિલ પણ 63 બોલમાં 74 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ઝમ્પાએ તેને બોલ્ડ કર્યો.
ઇશાન કિશન અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 34 રન જોડ્યા હતા. ઈશાન કિશન 185 રને આઉટ થયા બાદ કેએલ રાહુલને સૂર્યકુમાર યાદવનો સાથ મળ્યો હતો. વનડેમાં સતત ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલ સૂર્યા એક અલગ જ લયમાં જોવા મળ્યો હતો. તેણે લગભગ એક વર્ષ પછી આ ફોર્મેટમાં ફિફ્ટી ફટકારી. જ્યારે તે 49 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો ત્યારે ભારતને જીતવા માટે માત્ર 12 રનની જરૂર હતી. આ પછી કેપ્ટન કેએલ રાહુલે પણ ફિફ્ટી ફટકારી અને ભારતને 49મી ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચાડ્યું. તેણે સિક્સર સાથે મેચ પૂરી કરી.