• રોહિત શર્માના નામે નોંધાયો ખાસ રેકોર્ડ
  • રોહિત સૌથી મોટી ઉંમરનો ભારતીય કેપ્ટન બન્યો
  • અગાઉ અઝહરુદ્દીનના નામે હતો આ રેકોર્ડ

ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં મેદાનમાં ઉતરતા પહેલા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત વર્લ્ડકપમાં ભારતનું નૈતૃત્વ કરનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ મામલે રોહિતે મહેન્દ્ર સિંહ ધોની અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ કેપ્ટનોને પાછળ છોડી દીધા છે.

રોહિતની ઉંમર 36 વર્ષથી વધુ

રોહિતની ઉંમર 36 વર્ષને પાર પહોંચી છે. આ પહેલા વર્લ્ડકપમાં ભારત માટે સૌથી મોટી ઉંમરનો કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતો. 1999ના વર્લ્ડકપમાં અઝહર 36 વર્ષ અને 124 દિવસનો હતો. રોહિત 36 વર્ષ અને 161 દિવસનો છે. આ મામલે રાહુલ દ્રવિડ ત્રીજા નંબર પર છે. 2007માં દ્રવિડ 34 વર્ષ અને 71 દિવસના હતા. મહેન્દ્ર સિંહ ધોની પાંચમા નંબર પર છે. 2015ના વર્લ્ડકપમાં ધોનીની ઉંમર 33 વર્ષ અને 262 દિવસ હતી.

રોહિતનો વનડેમાં શાનદાર રેકોર્ડ

રોહિતનો અત્યાર સુધીનો વનડે રેકોર્ડ શાનદાર રહ્યો છે. રોહિતે 251 વનડે મેચમાં 10 હજાર 112 રન બનાવ્યા છે. રોહિતનો શ્રેષ્ઠ વનડે સ્કોર 264 રન છે. રોહિતે પોતાના કરિયરમાં 30 સદી અને 52 ફિફ્ટી ફટકારી છે. રોહિતે વનડેની 38 ઈનિંગમાં બોલિંગ પણ કરી છે. જેમાં રોહિતને 8 વિકેટ મળી છે. રોહિત ટીમ ઈન્ડિયા માટે 52 ટેસ્ટ અને 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમ્યો છે.

ભારતે વર્લ્ડકપ અભિયાનનો કર્યો પ્રારંભ

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023 શરૂ થઈ ગઈ છે. વર્લ્ડકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે આ મેચમાં 9 વિકેટે જીત મેળવી હતી. બીજી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાનની 81 રને જીત થઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ મેચ આજે રમી રહ્યા છે.

વર્લ્ડકપમાં ભારતના સૌથી મોટી ઉંમરના કેપ્ટન

કેપ્ટન ઉંમર વર્ષ
રોહિત શર્મા36 વર્ષ 161 દિવસ 2023
મોહમ્મદ અઝહરૂદ્દીન 36 વર્ષ 124 દિવસ 1999
રાહુલ દ્રવિડ 34 વર્ષ 71 દિવસ 2007
એસ વેંકટરાધવન 34 વર્ષ 56 દિવસ 1979
એમએસ ધોની 33 વર્ષ 262 દિવસ 2015

  • Follow us on: