- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ભારતની હાર
- ત્રીજી વનડે મેચમાં વિરાટ કોહલીએ ફટકારી હતી ફિફ્ટી
- કોહલી સૌથી વધુ 50 રન કરનારો ટોપ-3 બેટ્સમેન બન્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વનડે સીરિઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વિરાટ કોહલીએ આ મેચમાં 56 રનની ઈનિંગ રમીને એક રેકોર્ડ બનાવ્યો છે. કોહલી હવે વનડે ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 50 અથવા તેનાથી વધુનો સ્કોર કરવા મામલે ટોપ-3 બેટ્સમેનની યાદીમાં પહોંચી ગયો છે.
61 બોલમાં બનાવ્યા 56 રન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં મુખ્ય ખેલાડીઓની વાપસી થઈ હતી. જેમાં વિરાટ કોહલી ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સામેલ છે. કોહલીએ આ મેચમાં 61 બોલમાં 56 રનની ઈનિંગ રમી હતી. જેમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. કોહલીએ આ ઈનિંગના દમ પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોટિંગનો રેકોર્ડ તોડ્યો છે.
રિકી પોટિંગે 112 વખત 50થી વધુ રન બનાવ્યા
રિકી પોટિંગે પોતાના વનડે કરિયર દરમિયાન 112 વખત 50 અથવા તેનાથી વધુ સ્કોર કર્યો હતો. સાથે હવે કોહલી 113 વખત આ કારનામું કરી ચૂક્યો છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરનું નામ છે. તેણમે 145 વખત પોતાના કરિયરમાં 50 અથવા તેનાથી વધુનો સ્કોર કર્યો છે, જ્યારે બીજા નંબર પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગકારા છે. જેમણે 118 વખત આ કારનામું કર્યું છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રન બનાવવા મામલે કોહલી ચોથા સ્થાન પર
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તમામ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરે છે, ત્યારે કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં સૌથી વધુ રન બનાવવા મામલે ચોથા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ અત્યાર સુધી વનડેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2 હજાર 228 રન બનાવ્યા છે અને તેમણે રાજકોટ વનડેમાં વિવિયન રિચર્ડ્સને પાછળ રાખી 2 હજાર 187 રન બનાવ્યા હતા. 50 ઓવરના ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. સચિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 હજાર 77 રન બનાવ્યા છે.