ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. આ મેચમાં આર અશ્વિને પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી છે. આ ઈનિંગ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તે એક ખાસ ક્લબનો હિસ્સો બની ગયો છે. આ ક્લબમાં તેમની સાથે કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ જેવા દિગ્ગજ છે.


અશ્વિને આ ખાસ ક્લબમાં જગ્યા બનાવી

આર અશ્વિન એવા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે ભારતમાં 7મા નંબરે અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે સૌથી વધુ સદી ફટકારી છે. આ લિસ્ટમાં તેના સિવાય કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની પણ છે. આ બંને મહાન ખેલાડીઓએ ભારતમાં 4 સદી ફટકારી છે. આ સાથે જ હવે અશ્વિને પણ આ દિગ્ગજોની બરાબરી કરી લીધી છે. આ સિવાય અશ્વિનની ટેસ્ટ કરિયરની આ સૌથી ઝડપી સદી છે. તેણે પોતાની છઠ્ઠી સદી માત્ર 108 બોલમાં પૂરી કરી હતી.


અશ્વિને ડેનિયલ વેટોરીની કરી બરાબરી

અશ્વિને વેટ્ટોરીની બરાબરી કરી લીધી છે. ટેસ્ટમાં 8મા નંબરે બેટિંગ કરીને તે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. અશ્વિન અને વેટ્ટોરીએ આઠમા નંબરે બેટિંગ કરતા 4-4 સદી ફટકારી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ બીજા સ્થાને છે. તેણે ત્રણ સદી ફટકારી છે.

જાડેજા-અશ્વિનની મજબૂત ભાગીદારી

સમાચાર લખાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 80 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવી લીધા હતા. આ દરમિયાન જાડેજા 117 બોલમાં 86 રન બનાવીને રમી રહ્યો હતો. તેણે અશ્વિન સાથે 195 રનની ભાગીદારી પૂરી કરી હતી. જાડેજા અને અશ્વિનની આ ભાગીદારીએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

ખરાબ શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાનું કમબેક

ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 6 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી માત્ર 6 રન બનાવીને જતો રહ્યો હતો. રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલ 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી. તેણે 118 બોલનો સામનો કર્યો અને 56 રન બનાવ્યા. યશસ્વીએ 9 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • Follow us on: