ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં રિષભ પંતે પણ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી છે. 2022માં માર્ગ અકસ્માત બાદ પંત લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર હતો. પંત 634 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ પણ 25 ડિસેમ્બર 2022ના રોજ મીરપુરમાં બાંગ્લાદેશ સામે રમી હતી. પંતે ટીમ ઈન્ડિયામાં વાપસી કરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


જયસ્વાલ સાથે મળીને સંભાળી બાજી

પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રિષભ પંત અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની કમાન સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 62 રન જોડ્યા હતા. જો કે, પંત મોટો શોટ મારવાના પ્રયાસમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. પંતે પોતાની 39 રનની ઇનિંગ દરમિયાન એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ ખાસ ક્લબનો ભાગ બન્યો પંત

બાંગ્લાદેશ સામે 19 રન બનાવ્યા બાદ પંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 4000 રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો બીજો વિકેટકીપર બેટ્સમેન છે. તેની પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ આ કારનામું કર્યું હતું. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17092 રન બનાવ્યા છે. ધોની બાદ હવે પંત પણ આ ક્લબમાં જોડાઈ ગયો છે.

પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા. સ્ટમ્પના સમયે અશ્વિન 102 અને જાડેજા 86 રને ક્રીઝ પર હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 58 રનમાં 4 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

  • Follow us on: