ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બર પહેલા શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાના 4 બેટ્સમેનોનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. કેપ્ટન રોહિત શર્માથી લઈને શુભમન ગિલ, વિરાટ કોહલી અને કેએલ રાહુલે નબળી બેટિંગથી ચાહકોને નિરાશ કર્યા હતા. હવે આમાંથી એક ખેલાડી બીજી મેચમાંથી બહાર થવાનો ખતરો છે. બીજી મેચમાં મજબૂત ખેલાડીની એન્ટ્રી થઈ શકે છે.
કેએલ રાહુલ થઇ શકે છે બહાર!
પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાએ 150 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે જયસ્વાલ અને પંતે સારી ઇનિંગ્સ રમી હતી પરંતુ રોહિત, ગિલ, વિરાટ અને રાહુલે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમને આશા હતી કે કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં ઇનિંગ્સને સંભાળશે પરંતુ રાહુલ 52 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલનું પ્રદર્શન લાંબા સમયથી ખરાબ રહ્યું છે, રાહુલ દુલીપ ટ્રોફીમાં ફ્લોપ સાબિત થયો હતો. હવે જો રાહુલનું પ્રદર્શન બીજી ઈનિંગમાં પણ આવું જ રહ્યું તો તેને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે.
સરફરાઝ ખાનને મળી શકે છે મોકો
સરફરાઝ ખાનને પ્રથમ મેચ માટે 16 સભ્યોની ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ સરફરાઝની જગ્યાએ કેએલ રાહુલે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યું હતું. હવે રાહુલના ફ્લોપ થયા બાદ સરફરાઝ ખાન બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. સરફરાઝનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ ખૂબ જ શાનદાર રહ્યું હતું. સરફરાઝે ઈંગ્લેન્ડ સામે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સિરીઝમાં સરફરાઝે 3 મેચમાં 3 અડધી સદીની મદદથી 200 રન બનાવ્યા હતા.