ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત હવે પછી કરવામાં આવશે. યુવા ખેલાડીઓ આકાશદીપ અને યશ દયાલે 16 સભ્યોની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. રિષભ પંતની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.


રોહિત-યશસ્વી ઓપનિંગ કરશે

ભારતીય ટીમ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે. ઓપનિંગમાં લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન સાથે મેદનમાં ઉતરશે. શુભમન ગિલ ત્રીજા સ્થાને અને વિરાટ કોહલી ચોથા સ્થાને રહેશે તે લગભગ નિશ્ચિત છે.

રિષભ પંત વિકેટકીપર તરીકે રહેશે

રિષભ પંત વિકેટકીપર તરીકે ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. તેને પાંચમા સ્થાને મોકલી શકાય છે. તે હાલમાં દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળે છે. જ્યાં ઈન્ડિયા-બી તરફથી રમતા તેણે પ્રથમ દાવમાં 7 રન અને બીજી ઈનિંગમાં આક્રમક બેટિંગ કરતા 47 બોલમાં 61 રન બનાવ્યા હતા. પંતે પોતાની તોફાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પંતની નીડર બેટિંગ ચાહકોનો ઉત્સાહ વધારશે.

કેએલ રાહુલ કે સરફરાઝ કોને મળશે તક?

છઠ્ઠા સ્થાન માટે કેએલ રાહુલ અને સરફરાઝ ખાન વચ્ચે મુકાબલો થઈ શકે છે. દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા-A તરફથી રમતા તેણે પ્રથમ દાવમાં 37 રન અને બીજા દાવમાં 57 રન બનાવ્યા હતા. જો સરફરાઝની વાત કરીએ તો ઈન્ડિયા-બી તરફથી રમતા તેણે પ્રથમ દાવમાં 9 રન અને બીજા દાવમાં 46 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા કેએલ રાહુલના અનુભવ સાથે જઈ શકે છે.

આ બોલરોને મળશે તક

આ પછી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાતમા સ્થાને, ઓલરાઉન્ડર અક્ષર પટેલ આઠમા સ્થાને, ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન નવમા સ્થાને, જસપ્રિત બુમરાહ દસમા સ્થાને અને મોહમ્મદ સિરાજ 11મા સ્થાને આવી શકે છે.

આ ખેલાડી વચ્ચે સ્પર્ધા

કુલદીપ અને અશ્વિનમાંથી એક સ્પિનરને સ્થાન મળી શકે છે, પરંતુ અશ્વિનની બેટિંગ કરવાની ક્ષમતા પ્લસ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં ટીમ અશ્વિન સાથે જઈ શકે છે. આકાશદીપની વાત કરીએ તો આગામી દુલીપ ટ્રોફીની મેચોમાં તેનું પ્રદર્શન જોવા જેવું રહેશે. તેણે 9 વિકેટ લઈને 43 રન બનાવીને પોતાની જાતને સાબિત કરી છે. આવી સ્થિતિમાં જો તેમની લય ચાલુ રહેશે તો તેઓ ચોક્કસપણે વાપસી કરી શકે છે. આકાશદીપે 23 ફેબ્રુઆરી 2024ના રોજ રાંચીમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે યશ દયાલ અને ધ્રુવ જુરેલે રાહ જોવી પડી શકે છે.

બાંગ્લાદેશ સામે ભારતની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

  • Follow us on: