- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની છેલ્લી ટેસ્ટ
- હિમાચલ પ્રદેશના ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે મેચ
- ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાળા મેદાન પર રમાશે. ભારતીય ટીમે સીરિઝમાં 3-1ની સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. જસપ્રીત બુમરાહ પાંચમી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં પરત ફર્યો છે. ધર્મશાળાની પીચ હંમેશા ફાસ્ટ બોલરો માટે મદદગાર રહી છે. પરંતુ એક અહેવાલ મુજબ આ વખતે ઈંગ્લેન્ડને પાંચમી ટેસ્ટ માટે ટર્નિંગ ટ્રેક મળી શકે છે અને પિચ સ્પિનરોને મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.
યશસ્વી જયસ્વાલનું જોરદાર પ્રદર્શન
યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તે સુકાની રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે તે નિશ્ચિત માનવામાં આવે છે. જયસ્વાલ શાનદાર ફોર્મમાં છે. તેના બેટમાંથી ઘણા રન આવી રહ્યા છે. તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં બે બેવડી સદી ફટકારી છે. ત્રીજા નંબર પર શુભમન ગિલને તક મળી શકે છે. ગિલ સારા ફોર્મમાં છે. તેણે ચોથી ટેસ્ટ મેચમાં સંયમ અને ધીરજ સાથે બેટિંગ કરી હતી.
રજત પાટીદાર ફ્લોપ
રજત પાટીદાર ઈંગ્લેન્ડ સામે સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. તે ખરાબ રીતે ફ્લોપ થયો છે. અત્યાર સુધી તેણે 3 ટેસ્ટ મેચમાં પોતાના બેટથી માત્ર 63 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં તેમના સ્થાને દેવદત્ત પદ્દીકલને તક મળી શકે છે. વિકેટકીપરની જવાબદારી ધ્રુવ જુરેલને સોંપવામાં આવી શકે છે. તેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાને ચોથી ટેસ્ટ મેચમાં જીત અપાવી હતી. તેણે 90 રન અને 39 રનની ઇનિંગ્સ રમી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. સરફરાઝ ખાનને વધુ એક તક મળી શકે છે.
ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે
ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ રવિચંદ્રન અશ્વિનની 100મી ટેસ્ટ મેચ હશે. આવી સ્થિતિમાં તેનું રમવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા ભારતીય પીચો પર સારું પ્રદર્શન કરે છે. શાનદાર બોલિંગની સાથે તે મજબૂત બેટિંગમાં પણ નિષ્ણાત છે. કુલદીપ યાદવે ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ સામે બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. બુમરાહની વાપસી સાથે આકાશ દીપને પડતો મૂકવામાં આવી શકે છે. જ્યારે મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.