• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 23 રને જીત
  • સ્મૃતિ મંધનાની 80 રનની કપ્તાની ઇનિંગ
  • એલિસ પેરીએ ફટકારી કાચ તોડનારી સિક્સ

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2024)ની 11મી મેચ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. RCBએ આ મેચ 23 રને જીતી હતી. RCB કેપ્ટન સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફોર અને સિકસરનો વરસાદ કર્યો હતો. મંધાનાએ 50 બોલમાં 10 ફોર અને 3 સિકસની મદદથી 80 રન બનાવ્યા હતા. તે જ સમયે, પેરીએ 37 બોલનો સામનો કર્યા બાદ 58 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ફોર અને 4 સિકસ ફટકારી હતી. પેરીની એક સિક્સ એટલી જોરદાર હતી કે સ્ટેડિયમમાં પાર્ક કરેલી કારનો કાચ તૂટી ગયો હતો.

કાચ તોડનારી સિક્સર

પેરીએ 19મી ઓવરમાં કાચ તોડનારી સિક્સર ફટકારી હતી. આ ઓવર દીપ્તિ શર્માએ ફેંકી હતી. બોલ કારની પાછળની સીટના કાચ પર વાગ્યો અને પછી અંદર ઘૂસી ગયો. કાચ તૂટ્યા પછી પેરી ચોંકી ગઈ અને માથું પકડ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટાટા પંચ EV મહિલા પ્રીમિયર લીગની મેચ દરમિયાન સ્ટેડિયમમાં પાર્ક કરેલી રહે છે. ટાટા WPLનું ટાઇટલ સ્પોન્સર છે. પેરીની ઇનિંગ્સનો અંત 20મી ઓવરના પ્રથમ બોલ પર એક્લેસ્ટોન દ્વારા કરવામાં આવ્યો હતો. તેણે બીજી વિકેટ માટે મંધાના સાથે 95 રન અને ત્રીજી વિકેટ માટે રિચા ઘોષ (21) સાથે 42 રનની ભાગીદારી કરી હતી.

મેચની સ્થિતિ

RCBએ યુપી સામે 198/3નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા યુપીએ સારી શરૂઆત કરી હતી. કેપ્ટન એલિસા હીલી (55) અને કિરણ નવગીરે (18)એ પ્રથમ વિકેટ માટે 47 રન જોડ્યા હતા. આ પછી, હીલીને બીજા છેડેથી વધુ સાથ મળ્યો ન હતો. ચમારી અટાપટ્ટુ (8), ગ્રેસ હેરિસ (5) અને શ્વેતા સેહરાવત (1) બે આંકડાને સ્પર્શી શક્યા ન હતા. આવી સ્થિતિમાં દીપ્તિ શર્મા (33) અને પૂનમ ખેમનરે (31) ચાર્જ સંભાળ્યો હતો. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. 18મી ઓવરમાં દીપ્તિ આઉટ થઈ ગઈ અને ટીમ ફરી ડૂબી ગઈ હતી. યુપીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા.


  • Follow us on: