- ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની 100 રને જીત
- ઈંગ્લેન્ડ સેમીફાઈનલની રેસમાંથી થયું બહાર
- ખરાબ પ્રદર્શનને લઈ ઈંગ્લેન્ડના નામે નોંધાયો શર્મનાક રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમ વિરુદ્ધ ઈંગ્લેન્ડ આ વર્લ્ડકપમાં સળંગ ત્રીજી મેચમાં 200થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે વર્લ્ડકપમાં પહેલાં ક્યારેય આવું થયું નહતું. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત વર્લ્ડકપ મેચમાં સળંગ 3 વખત 200થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ છે. જે એક શર્મનાક રેકોર્ડ છે. ઈંગ્લેન્ડે ગત વખતે વનડે અને T-20 બંને વર્લ્ડકપ જીત્યા હતા, પરંતુ આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે ખુબ ખરાબ પ્રદર્શન કર્યું છે.
ઈંગ્લેન્ડે કર્યું ખુબ ખરાબ પ્રદર્શન
ઈંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમી છે. જેમાં માત્ર 1 મેચમાં જીત મેળવી છે, જ્યારે બીજી 5 મેચમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી 3 મેચમાં એક વખત પણ 200 રનનો સ્કોર બનાવી શકી નથી. આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ચોથી મેચ સાઉથ આફ્રિકા વિરુદ્ધ હતી. જેમાં ઈંગ્લેન્ડની ઈનિંગ માત્ર 22 ઓવરમાં 170 રન પર પૂર્ણ થઈ હતી. આ મેચમાં પણ ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈંગ્લેન્ડ સેમીફાઈનલની રેસમાંથી બહાર
ઈંગ્લેન્ડની 5મી મેચ શ્રીલંકા વિરુદ્ધ રમવામાં આવી હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમ 25.4 ઓવરમાં માત્ર 156 રન પર ઓલઆઉટ થઈ હતી અને શ્રીલંકા વિરુદ્ધ પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની છઠ્ઠી મેચ ભારત વિરુદ્ધ રમવામાં આવી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં માત્ર 129 રન પર ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલાં ક્યારેય પણ આવું ખરાબ પ્રદર્શન કર્યું નહતું. હવે ભારત પાસેથી મળેલી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી પણ બહાર થઈ છે. હવે જો ઈંગ્લેન્ડ બાકી બચેલી 3 મેચ જીતશે, તો તે 2025માં થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલીફાઈ કરશે.