• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • લખનઉના ઈકાના સ્ટેડિયમમાં મેચ
  • શ્રેયસ અય્યર 4 રન બનાવીને થયો આઉટ

વર્લ્ડકપમાં શ્રેયસ અય્યરનું ખરાબ ફોર્મ યથાવત્ છે. હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ શ્રેયસ અય્યરે નિરાશ કર્યા છે. શ્રેયસ 16 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે શ્રેયસ અય્યરને આઉટ કર્યો છે, ત્યારે એ સવાલ થાય છે કે, શું ભારતીય ટીમ મેનેજમેન્ટ શ્રેયસ અય્યરના સતત ખરાબ ફોર્મ બાદ ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનું વિચારશે?

આ વર્લ્ડકપમાં કેવું રહ્યું અય્યરનું પ્રદર્શન?

શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય રનમાં આઉટ થયો હતો. સાથે અફઘાનિસ્તાન સામે 23 બોલમાં 25 રન કરીને અણનમ રહ્યો હતો. જો કે, શ્રેયસ અય્યરે પાકિસ્તાન સામે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. આ મેચમાં શ્રેયસ અય્યર 62 બોલમાં 53 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રેયસ અય્યરે બાંગ્લાદેશ સામે 25 બોલમાં 19 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ સામે તેણે 29 બોલમાં 33 રન બનાવ્યા હતા.

શ્રેયસ અય્યર અને ઈશાન કિશન... શું કહે છે આંકડા?

ઈશાન કિશને ભારત માટે 27 વનડે મેચ રમી છે. ઈશાન કિશને આ ફોર્મેટમાં 933 રન બનાવ્યા છે. વનડેમાં ઈશાન કિશનની એવરેજ 42.41 છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 102.19 છે. આ ઉપરાંત ઈશાન કિશને 1 સદી અને 1 બેવડી સદી પણ ફટકારી છે. તેમજ 7 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે, જ્યારે શ્રેયસ અય્યરે 53 વનડે મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે 1 હજાર 935 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે વનડે ફોર્મેટમાં 3 સદી ફટકારી છે, સાથે અય્યરે વનડેમાં 15 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. જો કે, હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ શ્રેયસ અય્યરની જગ્યાએ ઈશાન કિશનને તક આપશે કે પછી શ્રેયસ અય્યરને આગામી મેચમાં પણ તક મળશે?

  • Follow us on: