• ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની 100 રને જીત
  • ઈંગ્લેન્ડની ટીમ 129 રનમાં ઓલઆઉટ
  • કેએલ રાહુલને મળ્યો સારી ફીલ્ડિંગ માટે મેડલ

ભારતે લખનઉમાં રમવામાં આવેલી મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું છે. ભારતની જીતમાં બેટ્સમેન સાથે બોલર્સનું પણ યોગદાન મહત્વનું રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફીલ્ડિંગમાં પણ માહિર હતા, ત્યારે કેએલ રાહુલને બીજી વખત સારી ફીલ્ડિંગ માટે મેડલ આપવામાં આવ્યો છે. આ પહેલાં પુણેમાં રમાયેલી મેચમાં પણ રાહુલને મેડલ આપવામાં આવ્યો હતો.

BCCIએ વીડિયો શેર કર્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાની વેબસાઇટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ટ્વીટ પણ કરવામાં આવ્યો છે. જેમાં ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન શ્રેષ્ઠ ફિલ્ડરની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના ફીલ્ડિંગ કોચે ડ્રેસિંગ રૂમમાં સારી ફીલ્ડિંગ કરવા બદલ કેએલ રાહુલની પ્રશંસા કરી હતી. સાથે કોચે મોહમ્મદ સિરાઝની પણ પ્રશંસા કરી હતી, પરંતુ મેડલ કેએલ રાહુલને આપવામાં આવ્યો હતો. આ વખતે રાહુલના નામની જાહેરાત એકદમ અલગ અંદાજમાં કરવામાં આવી હતી. સૌપ્રથમ તમામ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાંથી બહાર લાવવામાં આવ્યા અને ત્યારબાદ સ્ટેડિયમની લાઈટો બંધ થઈ હતી. જે બાદ સ્ટેન્ડમાં LED લાઈટથી રાહુલના નામની જાહેરાત કરવામાં આવી હતી.


ઈંગ્લેન્ડની ટીમ 129 રનમાં ઓલઆઉટ

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામેની જીતની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 129 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. કેએલ રાહુલે આ મેચમાં 58 બોલનો સામનો કરીને 39 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાહુલે 3 ફોર પણ ફટકારી હતી. રાહુલે ફીલ્ડિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી હતી. રાહુલે મોઈન અલીનો કેચ કરવા સાથે ક્રિસ વોક્સને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ભારતીય ટીમ વર્લ્ડકપમાં અત્યાર સુધી 6 મેચ રમી છે. આ તમામ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.


  • Follow us on: