- રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ
- ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં શાનદાર બેટિંગ
- સિક્સર કિંગે બે રેકોર્ડ પોતાના નામે કર્યા
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પોતાના કરિયરમાં એક પછી એક મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ગુરુવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી T-20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં રોહિતે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. કેપ્ટને 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા અને 146.15ના સ્ટ્રાઈક રેટથી 57 રન બનાવ્યા. આ સાથે સિક્સર કિંગે બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
એટલે જ તો કહેવાય છે સિક્સર કિંગ
રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં 50 સિક્સર મારનાર એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયો છે. હવે તે માત્ર ક્રિસ ગેલના રેકોર્ડથી પાછળ છે. જેણે વર્લ્ડ કપમાં 63 સિક્સર ફટકારી છે. રોહિત માત્ર બીજો ખેલાડી છે જેણે 50 સિક્સરનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ તેણે સાબિત કરી દીધું કે તેને અસલી સિક્સર કિંગ કેમ કહેવામાં આવે છે. આ મામલામાં ઈંગ્લેન્ડનો જોસ બટલર ત્રીજા સ્થાને છે. જેણે 43 સિક્સર ફટકારી છે.
જયવર્દનેનો રેકોર્ડ તૂટ્યો
આ સાથે રોહિતે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી જયવર્દનેનો મોટો રેકોર્ડ તોડ્યો છે. મહત્વનું છે કે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ મહેલા જયવર્દનેના નામે હતો. તેણે 111 ચોગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે 113 ચોગ્ગા ફટકારીને આ મોટો રેકોર્ડ તોડ્યો. આ સાથે રોહિત શર્માએ કેપ્ટન તરીકે 5000 રન પૂરા કર્યા.
ટીમ ઈન્ડિયાએ 172 રન બનાવ્યા
રોહિતની શાનદાર ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ આ મહત્વપૂર્ણ મેચમાં 172 રન બનાવ્યા હતા. મુશ્કેલ પિચ પર ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો અસરકારક સાબિત થયા હતા. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે 47 રન, હાર્દિક પંડ્યાએ 23, રવિન્દ્ર જાડેજાએ 17 અને અક્ષર પટેલે 10 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી.