• T20 વર્લ્ડકપમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઇ
  • આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર વાપસી કરી
  • નાસાઉ સ્ટેડિયમની પિચ પર ઘણા સવાલો ઉઠ્યા છે

ક્રિકેટનો મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર વાપસી કરી હતી. તેણે ફિફ્ટી ફટકારીને ચાહકોના દિલ જીતી લીધા હતા. રોહિતની શાનદાર અડધી સદીની ઉજવણી ત્યારે ચાહકો કરી રહ્યા હતા જ્યારે તેમને મોટો આંચકો લાગ્યો હતો. ઈજાના કારણે રોહિત રિટાયર્ડ હર્ટ થયો હતો. મેચની 10મી ઓવરમાં રોહિત શર્મા 52 રનના સ્કોર પર હતો, જ્યારે તે પેવેલિયન તરફ પાછો ફર્યો હતો. જ્યારે હિટમેન પેવેલિયનમાં પાછો ફર્યો ત્યારે બધાના હૃદયના ધબકારા વધી ગયા હતા.

રોહિત શર્મા શા માટે પેવેલિયન પરત ફર્યો?

ભારતીય કેપ્ટન રોહિત શર્મા 30 રન પર રમી રહ્યો હતો. રોહિત શર્માએ આયર્લેન્ડ માટે 6મી ઓવર લાવનાર જોશુઆ લિટલના બોલ પર પોઈન્ટ પર રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો અને બોલ તેના ખભા પર અથડાયો. આ પછી રોહિત શર્માએ પોતાની અડધી સદી પૂરી કરી અને ખભાના દુખાવાના કારણે પેવેલિયન પરત ફર્યો. રોહિત શર્માને પેવેલિયન છોડતા જોઈને ભારતીય ક્રિકેટ ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. ચાહકો ચિંતા કરવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે રોહિત શર્માની ઈજા મોટી ન હોય અને તે સંપૂર્ણ રીતે ફિટ થઈને જ આગામી મેચમાં મેદાનમાં ઉતરે.


નાસાઉ પિચ પર સવાલો ઉઠ્યા

આ મેચમાં રોહિતની સાથે પંત પણ આ મુશ્કેલ પિચ પર જોખમમાં જોવા મળ્યો હતો. પીચ પર ઘણો બાઉન્સ જોવા મળ્યો હતો. જેના કારણે બેટ્સમેનોને ઈજા થવાનું જોખમ વધી ગયું છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ પીચ પર ખતરાની શક્યતા વ્યક્ત કરી હતી.

વિરાટ કોહલીના આઉટ થયા બાદ રોહિતે કમાન સંભાળી

ભારતીય ટીમ 97 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇનિંગની શરૂઆત કરી હતી. જો કે વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ રોહિત શર્માએ પોતાની શાનદાર રમત દેખાડી હતી. તેણે મુશ્કેલ પીચ પર 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા અને 140.54ના સ્ટ્રાઈક રેટથી 52 રન બનાવ્યા.

  • Follow us on: