- રોહિત શર્માએ T-20 વર્લ્ડકપની પહેલી જ મેચમાં રેકોર્ડ બનાવ્યો
- ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો
- વર્લ્ડકપની પહેલી મેચમાં હિટમેને ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T-20 વર્લ્ડકપની પહેલી જ મેચમાં રેકોર્ડ બનાવ્યો છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો હતો. હિટમેને શાનદાર બેટિંગ કરી અને ફિફ્ટી ફટકારી. આ મેચમાં શાનદાર બેટિંગ કરીને હિટમેને ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
T20 ક્રિકેટમાં 4000 રન બનાવનાર ત્રીજો ખેલાડી
રોહિત શર્માએ ઓપનિંગ બેટ્સમેન તરીકે ઇનિંગની શરૂઆત કરી અને T20 ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા. આવું કરનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ કારનામું ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને પાકિસ્તાની ખેલાડી બાબર આઝમે કર્યું હતું. વિરાટ કોહલીના T20 ક્રિકેટમાં 4038 રન છે જ્યારે બાબર આઝમે T20માં કુલ 4023 રન બનાવ્યા છે. રોહિત શર્માએ પોતાની 152મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિતે સૌથી ઓછા બોલ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ 4000 રન પૂરા કરવા માટે 2861 બોલ રમ્યા છે.
T20 વર્લ્ડકપમાં 1000 રન પૂરા કર્યા
રોહિત શર્માએ T20 વર્લ્ડકપમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ પહેલા ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને શ્રીલંકાના ખેલાડી મહેલા જયવર્દનેએ આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 1142 રન બનાવ્યા છે અને મહેલા જયવર્દને ટી20 વર્લ્ડકપમાં 1016 રન બનાવ્યા છે.
600 સિક્સ પૂરા કર્યા
આ મેચમાં રોહિત શર્માએ ત્રણ સિક્સર ફટકારી છે. તે 600 સિક્સર મારનાર વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં બીજા સ્થાન પર વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેલ છે જેણે કુલ 553 સિક્સર ફટકારી છે.