- ઈશાન કિશને ભારતીય ટીમને એક ખાસ સંદેશ આપ્યો
- ઇશાન કિશને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
- ટીમને સારું પ્રદર્શન કરવા માટે ટીમને શુભેચ્છા પાઠવી
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને આયર્લેન્ડ સામે ટી20 વર્લ્ડકપ 2024ની પ્રથમ મેચ પહેલા ભારતીય ટીમને એક ખાસ સંદેશ આપ્યો છે. ઇશાન કિશને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા માટે ટીમને શુભેચ્છા પાઠવી. ભારતીય ટીમ બુધવારે T20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. કિશન હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. તેમની જગ્યાએ ટીમે રિભપ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
ઈશાન કિશને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કહ્યું કે દરેક વ્યક્તિએ ભારતીય ટીમને સપોર્ટ કરવો જોઈએ કારણ કે આ વર્લ્ડકપ છે. ઈશાને લખ્યું, “આ વર્લ્ડકપનો સમય છે અને આપણે બધાએ આપણા ખેલાડીઓને સમર્થન આપવું જોઈએ. સપોર્ટ સ્ટાફ અને ટીમને શુભેચ્છાઓ.
અગાઉ ફેબ્રુઆરીમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 2023-24 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, જેમાં ઇશાન કિશન અને શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં, કિશનને ખરાબ પ્રદર્શન બાદ ભારતની T20 વર્લ્ડકપ 2024ની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
ICC ટ્રોફીના દુકાળને ખતમ કરવા માંગશે ભારત
આ ટૂર્નામેન્ટ જીતીને ભારત 11 વર્ષથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુકાળને ખતમ કરવા માંગશે. ભારતે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી. તે પછી, ભારતીય ટીમ 50 ઓવરના વર્લ્ડકપમાં 2023માં ફાઇનલમાં અને 2015 અને 2019માં સેમિફાઇનલમાં પહોંચી હતી. 2021 અને 2023માં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી. T20 વર્લ્ડકપમાં તે 2014માં ફાઇનલમાં, 2016 અને 2022માં સેમિફાઇનલમાં પહોંચી હતી પરંતુ ટ્રોફી જીતી શકી નહોતી.