ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પુણે ટેસ્ટના પહેલા દિવસે ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી. પરંતુ મેચમાં આર અશ્વિન બોલિંગ કરવા આવ્યો કે તરત જ તેને કીવી ટીમના કેપ્ટનને પેવેલિયન મોકલી દીધો.


પ્રથમ સત્રના અંત સુધીમાં આર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. આ સાથે આર અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે.

નાથન લાયનને છોડ્યો પાછળ

આર અશ્વિને પુણે ટેસ્ટના પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી બતાવી છે. પ્રથમ સેશનમાં 2 વિકેટ લઈને અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ સાથે અશ્વિને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લાયનને પાછળ છોડી દીધો છે. અત્યાર સુધી આ લિસ્ટમાં નાથન લાયન નંબર વન પર હતો. નાથન લાયનના નામે 43 મેચમાં 187 વિકેટ છે. અશ્વિને માત્ર 39 મેચમાં આ આંકડો પાર કર્યો છે. અશ્વિનના નામે 188 વિકેટ છે.

 

આ 2 બેટ્સમેનોને મોકલ્યા પેવેલિયન

પુણે ટેસ્ટમાં આર અશ્વિને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લૈથમની પ્રથમ વિકેટ ઝડપી હતી. આ પછી અશ્વિને બીજા બેટ્સમેન વિલ યંગને આઉટ કર્યો. પ્રથમ સેશનની 7 ઓવર બાદ જ કેપ્ટન રોહિત શર્માએ અશ્વિનને બોલિંગ કરવા ઉતાર્યો હતો. ટીમ ઈન્ડિયાને પણ પ્રથમ સેશનમાં આનો ફાયદો મળ્યો.

 

આવા છે નાથન લાયનના આંકડા

ઓસ્ટ્રેલિયાના નાથન લાયને અત્યાર સુધી 43 મેચ રમીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 187 વિકેટ ઝડપી છે. તેને 11 વખત ચાર અને 10 વખત 5 વિકેટ લીધી છે. નાથન લાયનની એવરેજ 26.70 છે અને તેનો સ્ટ્રાઈક રેટ 58.05 છે. 

સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા થશે ટક્કર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતા મહિનાથી પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાશે. આ સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પણ એક ભાગ હશે. અશ્વિન ભારત માટે અને નાથન લાયન ઓસ્ટ્રેલિયા તરફથી રમતો જોવા મળે તેવી પૂરી આશા છે. ત્યારે આ બંને આમને સામને આવી શકે છે જે ક્રિકેટ ફેન્સ માટે ખૂબ જ રસપ્રદ રહેશે.

  • Follow us on: