ન્યૂઝીલેન્ડ સામેની બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો હવે પુણેમાં સામસામે ટકરાશે. આ મેચમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના ટીમમાં સામેલ થવા પર શંકાના વાદળો છે.
બેંગલુરુ ટેસ્ટ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ ટૂંક સમયમાં તેના પુણેમાં રમવા અંગે નિર્ણય લઈ શકે છે. જો પંત બીજી ટેસ્ટ નહીં રમે તો ટીમ તેની જગ્યાએ ધ્રુવ જુરેલને તક આપી શકે છે.
ધ્રુવ જુરેલને મળશે તક
ધ્રુવ જુરેલે ભારત માટે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં 63.33ની એવરેજથી 190 રન બનાવ્યા છે. આ વર્ષે તેને ઈંગ્લેન્ડ સામે 90 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઈનિંગ બાદ ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેની પ્રશંસા કરી હતી. ટેસ્ટ સિવાય ધ્રુવ જુરેલે બે T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે જેમાં તેને માત્ર છ રન બનાવ્યા હતા.
રિષભ પંતની જગ્યાએ આ ખેલાડીને મળશે તક
ધ્રુવ જુરેલ પહેલેથી જ ટીમમાં છે, તેથી પંતની ગેરહાજરીમાં તેને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળશે. ભારત પાસે કેએલ રાહુલને પણ મેદાનમાં ઉતારવાની તક છે, જે જરૂર પડ્યે વિકેટકીપરની જવાબદારી નિભાવી શકે છે. પરંતુ તેની સાથે સમસ્યા એ છે કે પ્રથમ મેચમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે બંને ઈનિંગ્સમાં ઓછા રને આઉટ થયો હતો. છેલ્લી મેચમાં ખરાબ પ્રદર્શન અને શુભમન ગિલની વાપસીને જોતા રાહુલનું બીજી ટેસ્ટમાં સ્થાન મેળવવું મુશ્કેલ લાગી રહ્યું છે. તેના સ્થાને ટીમ સરફરાઝ ખાનને તક આપી શકે છે, જેણે બેંગલુરુમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 150 રનની ઈનિંગ રમી હતી.
24મી ઓક્ટોબરથી શરૂ થશે બીજી ટેસ્ટ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં શરૂ થશે. પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને હવે સીરિઝ જીતવા માટે બંને મેચ જીતવી પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ આ સિરીઝ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમને ફાઈનલમાં પહોંચવું હોય તો તેને બંને મેચ જીતવી જરૂરી છે.