- પ્રથમ ટેસ્ટમાં ભારતનો ઈનિંગ અને 32 રને કારમો પરાજય
- મેચમાં ભારતીય ટીમનો સંપૂર્ણ રીતે ફ્લોપ શો જોવા મળ્યો
- સાઉથ આફ્રિકાને હળવાશથી લેવું અમને મોંઘુ પડ્યું: રોહિત
ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ઇનિંગ્સ અને 32 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે ફ્લોપ જોવા મળી હતી. મેચ પૂરી થયા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે સાઉથ આફ્રિકાને હળવાશથી લેવું અમને મોંઘુ પડ્યું. રોહિત શર્માએ કહ્યું કે ભારતીય ખેલાડીઓ પરિસ્થિતિને સારી રીતે સ્વીકારી શક્યા નથી. આ સિવાય ટીમ ઈન્ડિયાએ ઘણી ભૂલો કરી, જેના વિશે ભારતીય કેપ્ટને વિગતવાર જણાવ્યું.
રોહિત શર્માની પ્રતિક્રિયા
મેચ પુરી થયા બાદ રોહિત શર્માએ કહ્યું કે, "અમે જીતવા માટે સારી સ્થિતિમાં નહોતા. પ્રથમ ઈનિંગમાં ટોપ ઓર્ડર ફલોપ રહ્યા બાદ કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી અને અમને તે સ્કોર સુધી લઈ ગયો, પરંતુ પછી અમે બોલિંગમાં કમાલ કરી શક્યા નહતા."જો અમારે ટેસ્ટ મેચો જીતવી હોય તો ટીમમાં દરેક ખેલાડીએ સારુ પ્રદર્શન કરવું પડશે, જે અમે કર્યું નથી. છોકરાઓ અહીં પહેલા પણ આવી ચુક્યા છે. અમે જાણીએ છીએ કે અહીં શું અપેક્ષિત છે અને દરેકની પોતાની યોજનાઓ છે. અમે અમારી યોજના મુજબ ખરા ઉતરી શક્યા નથી.
વિપક્ષી ટીમની તાકાત સમજવી પડશે
ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, "આ બાઉન્ડ્રી-સ્કોરિંગ ગ્રાઉન્ડ છે, અમે તેમને સ્કોર કરતા જોયા પરંતુ અમારે વિપક્ષી ટીમ અને તેમની તાકાતને સમજવી પડશે. અમે બંને ઇનિંગ્સમાં સારી બેટિંગ કરી નથી, તેથી જ અમને ત્રણ દિવસમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેએલએ બતાવ્યું કે આવી પિચ પર અમારે શું કરવાનું હતું. અમારા મોટાભાગના બોલરો અહીં પહેલા આવ્યા નથી, તેથી હું વધારે ટીકા કરવા માંગતો નથી. મહત્વનું છે, રમતવીર તરીકે આપણે આવા સમયમાંથી પસાર થઈએ છીએ અને અમારે આગામી ટેસ્ટ માટે તૈયાર રહેવું જોઈએ."