• વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
  • ભારતીય ટીમની શરૂઆતી 7 મેચમાં થઈ જીત
  • હવે ભારતીય ટીમ રવિવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે મેચ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની તમામ મેચો જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકાએ 7માંથી 6 મેચ જીતી છે. હવે આ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકા માટે ઘાતક સાબિત થઈ શકે છે. કોહલીએ સાઉથ આફ્રિકા સામે અત્યાર સુધી 4 સદી ફટકારી છે.

સચિન તેંડુલકર ટોપ પર

વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ વનડે રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને છે.તેણે અત્યાર સુધી 30 મેચમાં 1 હજાર 403 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 8 ફિફ્ટી ફટકારી છે. કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 160 રન છે. આ મામલે સચિન તેંડુલકર ટોપ પર છે. સચિને સાઉથ આફ્રિકા સામે 57 મેચમાં 2 હજાર 1 રન બનાવ્યા છે. તેણે 5 સદી અને 8 ફિફ્ટી ફટકારી છે. સૌરવ ગાંગુલી 1 હજાર 313 રન સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હેડ ટૂ હેડ

રોહિત શર્મા પણ કોલકાતામાં સારું પ્રદર્શન કરી શકે છે. રોહિતે 25 મેચમાં 766 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 2 ફિફ્ટી ફટકારી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી વનડે મેચના આંકડાઓ પર નજર કરવામાં આવે તો, આફ્રિકાનું પલડું ભારે લાગી રહ્યું છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 90 વનડે રમાઈ છે. આ દરમિયાન ભારતે માત્ર 37 મેચ જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકાએ 50 મેચ જીતી છે.

છેલ્લે 2022માં બંને ટીમ આમને-સામને આવી હતી

ઉલ્લેખનીય છે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી વનડે મેચ ઓક્ટોબર 2022માં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની 7 વિકેટે જીત થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી સાઉથ આફ્રકાની ટીમ 99 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 3 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. હવે લાંબા સમય બાદ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે વનડે મેચ રમવામાં આવશે.

  • Follow us on: