• વર્લ્ડકપ રમનાર 8 ખેલાડીઓ પડતા મુકાયા
  • ત્રણેય ફોર્મેટમાં હશે અલગ-અલગ કેપ્ટન
  • KL રાહુલને સોંપાઇ ODIમાં ટીમની કમાન

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ ત્યાં T20, ODI અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં મેચ રમવા જઈ રહી છે. ટેસ્ટ, ODI અને T20માં ભારત પાસે અલગ-અલગ કેપ્ટન હશે. ભારતીય વનડે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ODI ટીમમાં મોટાભાગના નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

વર્લ્ડ કપ રમનાર 8 ખેલાડીઓ બહાર

ભારત માટે ODI વર્લ્ડ કપ 2023 રમનાર માત્ર ત્રણ ખેલાડીઓ જ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી માટે ટીમનો ભાગ છે. શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે મેચોમાં રમતા જોવા મળશે. રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત 8 વર્લ્ડ કપ રમી રહેલા ખેલાડીઓને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. સાઈ સુદર્શનને પહેલીવાર ભારતીય વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. સાઈ સુદર્શને IPL માં ગુજરાત તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

શુભમન ગિલને ન મળ્યો મોકો

યુવા બેટ્સમેન શુભમન ગિલ જે છેલ્લા કેટલાક સમયથી ODI ફોર્મેટમાં ભારત માટે રન બનાવી રહ્યો છે તેને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતીય પસંદગીકારોના આ નિર્ણયથી ચાહકો આશ્ચર્યચકિત છે. શુભમન ગીલે ODI ફોર્મેટમાં ભારત માટે સતત રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. સાઈ સુદર્શન અથવા રજત પાટીદાર દક્ષિણ આફ્રિકા સામે રૂતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.

સાઈ સુદર્શને દમ બતાવ્યો

સાઈ સુદર્શનની વાત કરીએ તો IPL 2022માં પહેલીવાર સુદર્શનનું નામ સામે આવ્યું છે. ગુજરાત ટાઇટન્સ માટે, તેણે માત્ર પાંચ મેચમાં 36.25ની સરેરાશ અને 127.19ની સ્ટ્રાઇક રેટથી 145 રન બનાવ્યા. વર્ષ 2023માં પણ સાઈ સુદર્શને પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. સાઈ સુદર્શને 8 મેચમાં 51.71ની શાનદાર એવરેજ અને 141.40ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 362 રન બનાવ્યા. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. તેણે IPL 2023ની ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 96 રનની ઇનિંગ રમી હતી.

  • Follow us on: