ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 8 થી 15 નવેમ્બર દરમિયાન T20 સિરીઝ રમાશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 4 મેચ રમાશે. હવે આ સિરીઝની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે અને બંને કેપ્ટને સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે. ભારત હાલમાં T20 રેન્કિંગમાં વિશ્વની નંબર-1 ટીમ છે, જ્યારે દક્ષિણ આફ્રિકા છઠ્ઠા સ્થાને છે. એક તરફ ભારતીય ટીમ ટી-20 સિરીઝ જીતવાનો સિલસિલો જાળવી રાખવા માંગશે તો આફ્રિકાની ટીમ લાંબા સમય બાદ ટી20 સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


T20માં ભારતનો શાનદાર છે રેકોર્ડ

જો આપણે ભારત પર નજર કરીએ તો, આ ટીમ છેલ્લી 9 T20 સિરીઝમાં હાર્યું નથી. આ 9 સિરીઝમાંથી ટીમ ઈન્ડિયાએ આઠ વખત જીત મેળવી હતી, જ્યારે એક સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. બીજી તરફ, સાઉથ આફ્રિકા વર્ષ 2022માં આયર્લેન્ડને 2-0થી હરાવ્યા બાદ ક્યારેય ટી20 સિરીઝ જીતી શક્યું નથી. આયર્લેન્ડ સામેની તે સિરીઝ પછી, દક્ષિણ આફ્રિકાએ કુલ 9 T20 સિરીઝ રમી છે, જેમાંથી તે 7 વખત હારી છે અને બે સિરીઝ ડ્રો રહી છે.


T20માં હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 9 T20 સિરીઝ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયા ચાર વખત જીતી છે, દક્ષિણ આફ્રિકા બે વખત જીત્યું છે અને ત્રણ વખત સિરીઝ ડ્રો રહી છે. મેચની વાત કરીએ તો ટી20 ક્રિકેટના ઈતિહાસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા 27 વખત સામસામે આવી ચૂક્યા છે. તેમાંથી ભારતીય ટીમ 15 વખત જીતી હતી, દક્ષિણ આફ્રિકા 11 વખત જીત્યું હતું અને એક મુકાબલો અનિર્ણિત રહ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 સિરીઝ ગયા વર્ષે ડિસેમ્બરમાં રમાઈ હતી, જે 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


  • Follow us on: