• ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે
  • સાઉથ આફ્રિકામાં ત્રણેય ફોર્મેટની સીરિઝ રમાશે
  • આ 3 ભારતીય ખેલાડી પર રહેશે તમામની નજર

ભારતીય ક્રિકેટ ટીમ ડિસેમ્બર મહિનામાં સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ પહેલા 3 T20, પછી 3 વનડે અને અંતે 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. આ ત્રણ વિદેશી સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર્સે ત્રણ અલગ-અલગ ટીમોની પસંદગી કરી છે. જેમાં કુલ 32 ખેલાડીઓનો સ્થાન આપવામાં આવ્યું છે.

સાઉથ આફ્રિકા પ્રવાસમાં યુવાઓને મળી તક

આ વખતે અજીત અગરકરના નેતૃત્વમાં સિલેક્ટર્સની ટીમે યુવા ખેલાડીઓ પર ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમતા જોવા મળશે, જ્યારે T-20 સીરિઝનું નૈતૃત્વ સૂર્યકમાર યાદવ કરશે અને વનડે ટીમનું નેતૃત્વ કેએલ રાહુલ કરશે. જો કે, ટેસ્ટ ટીમનું નેતૃત્વ રોહિત શર્મા જ કરશે. આ ત્રણ સીરિઝ માટે સિલેક્ટર્સે ત્રણેય ટીમમાં માત્ર 3 ખેલાડીઓને સામેલ કર્યા છે.

આ 3 ખેલાડીઓ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હશે

આ ત્રણ ખેલાડીઓના નામમાં ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે. જેમના નામ T20, વનડે અને ટેસ્ટની ત્રણેય ટીમોમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને તેમની પ્રતિભાને જોઈને સિલેક્ટર્સે તેમને ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ ખેલાડી ગણાવ્યા છે અને તેમને સાઉથ આફ્રિકા જેવી મુશ્કેલ સીરિઝમાં રમવાની તક આપી છે. ક્રિકેટ નિષ્ણાતોના મતે આ ત્રણેય ખેલાડીઓને ત્રણેય સીરિઝની દરેક મેચમાં રમવાની તક મળી શકે છે. કારણ કે, ભારતીય ક્રિકેટ ફેન્સને આ ત્રણેય પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હશે.

ઋતુરાજ ગાયકવાડ- ચેન્નાઈ સુપર કિંગ્સના આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 સીરિઝમાં સૌથી વધુ રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે T20માં ભારત માટે સૌથી ઝડપી 4 હજાર રન પણ પૂર્ણ કર્યા છે. તેની રમવાની શૈલી અને ગેમિંગ કૌશલ્ય જોઈને ઘણા ક્રિકેટ દિગ્ગજો તેને ત્રણેય ફોર્મેટમાં રમવા માટે છેલ્લા ઘણા મહિનાઓથી ભલામણ કરી રહ્યા હતા. હવે આખરે તેને તક મળી છે.

શ્રેયસ અય્યર- શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયા માટે અગાઉ પણ ત્રણેય ફોર્મેટમાં રમતો હતો અને ત્રણેય ફોર્મેટમાં સારૂં પ્રદર્શન પણ કર્યું છે. શ્રેયસ અય્યર હવે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં એક મજબૂત મધ્યક્રમ બેટ્સમેન બન્યો છે. તાજેતરમાં વર્લ્ડકપ દરમિયાન શ્રેયસ અય્યરનું બેટ ખુબ ચાલ્યું હતું અને તે નંબર 4 પર બેટિંગ કરીને વર્લ્ડકપમાં 500થી વધુ રન બનાવનારો એકમાત્ર બેટ્સમેન પણ બન્યો છે. આવી સ્થિતિમાં શ્રેયસને T20માં નંબર 3-4, વનડેમાં નંબર 4 અને ટેસ્ટ ફોર્મેટમાં નંબર 5-6 પર બેટિંગ કરવાની જવાબદારી મળી શકે છે.

મુકેશ કુમાર- બિહારના આ ફાસ્ટ બોલરે IPL અને ઘરેલૂ ક્રિકેટમાં સળંગ સારૂં પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે અને હવે તે એ 3 ખેલાડીઓમાં એક છે. જેમને સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણેય ફોર્મેટના સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયા T20 સીરિઝમાં શાનદાર અને વિશ્વાસપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ પહેલાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ થયેલી વનડે અને ટેસ્ટ સીરિઝમાં ડેબ્યૂ કરીને મુકેશ કુમારે સારી બોલિંગ કરી હતી. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણેય ફોર્મેટની સીરિઝ રમવા માટે મુકેશ કુમારને તક આપવામાં આવી છે.

  • Follow us on: