- શ્રીલંકાના સ્ટાર ખેલાડી દુષ્મંથા ચમીરા ટી20 સિરીઝમાંથી બહાર છે
- દુષ્મંથા ચમીરા ઈજાગ્રસ્ત છે
- શ્રીલંકાની ટીમ તેના સ્થાને ખેલાડીની શોધમાં છે
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર છે. જ્યાં ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી ટી20 અને 2જી ઓગસ્ટથી વનડે સિરીઝ રમશે. ભારત-શ્રીલંકાની ટીમો તેની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ ટી20 સિરીઝ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકાના સ્ટાર બોલર દુષ્મંથા ચમીરા ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તે ઈજાના કારણે બહાર છે. મુખ્ય સિલેક્ટર ઉપુલ થરંગાએ બુધવારે નવનિયુક્ત વચગાળાના મુખ્ય કોચ સનથ જયસૂર્યા સાથે પ્રેસ કોન્ફોરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
શ્રીલંકા માટે મોટો ઝટકો
મહત્વપૂર્ણ સિરીઝમાં દુષ્મંથાની ગેરહાજરી શ્રીલંકા માટે મોટો ઝટકો સાબિત થશે. આ તોફાની બોલરે અત્યાર સુધી 55 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 55 વિકેટ ઝડપી છે. તાજેતરમાં તેને લંકા પ્રીમિયર લીગમાં પણ સારી બોલિંગ કરી હતી. ભારત સામેના તેના રેકોર્ડની વાત કરીએ તો ચમીરા પાસે સારા આંકડા છે. તેને 22 મેચમાં 21 વિકેટ લીધી છે. ભારત સામે રમાયેલી 15 ટી20 મેચમાં તેના નામે 16 વિકેટ છે.
રિપ્લેસમેન્ટ કોણ હોઈ શકે?
દુષ્મંત ચમીરા બહાર થયા બાદ તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ રેસમાં ત્રણ ખેલાડીઓના નામ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચમીરાની જગ્યાએ અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા અથવા કસુન રાજીથાને સામેલ કરવામાં આવી શકે છે. આ ત્રણેય ખેલાડીઓ ટી20 સિરીઝમાં સ્થાન મેળવી શક્યા નથી. દુષ્મંથા ચમીરાની ઈજા અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉપુલ થરંગાનું કહેવું છે કે તેના સ્થાનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ભારત સામેની ટી20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમ
ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ ઝેનિથ પરેરા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિંદુ હસરાંગા, દુનિથ વેલલાગે, મહિષ તિક્ષાના, ચામિન્દુ વિક્રમશિંઘે, મથીશા પથિરાના, નુવાન તુષારા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો.